Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગુજરાતભરમાં વાયરલ થયેલ બોગસ મતદાનનો વિડીયો નવો કે જુનો? સાંજ સુધીમાં ફેંસલો

અમદાવાદ જીલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ મતદાન મથકમાં સતત હાજર રહી મતદાન કરવા ન આવેલા લોકોના નામે મતદાન કરાવી રહયાની વિડીયો આધારે ફરીયાદ :મતદાન મથકની અંદરની ઘટના હોવાથી ચૂંટણીપંચની નહિં, ગાંધીનગર કલેકટરની જવાબદારીઃ સાણંદના એસડીએમ અને અમદાવાદ રૂરલના એસપી દ્વારા તપાસ ચાલુ ફરજ પરના પ્રિસાઇડીંગ ઓફીસર સહીતના સ્ટાફના ફોટાઓ મંગાવી જેમના પર આક્ષેપ છે તેવા જીલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના નિવેદન મુજબ વિડીયો જુનો છે કે નવો ? તે શોધી કઢાશેઃ એફએસએલની મદદ લેવા પણ નિર્ણય : ભારે ધમધમાટઃ હવે શું ? : સર્વત્ર ચર્ચા

બાવળાના બાપુપુરા ગામે બુથ નં. ૧માં બોગસ વોટીંગનો ગુજરાતભરમાં વાયરલ થયેલ વિડીયોની તસ્વીર જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા બુથની અંદર હાજર રહી મતદાન ન કરવા આવેલા લોકોના બોગસ વોટીંગની તસ્વીર સાથે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ગાંધીનગર કલેકટર સમક્ષ ફરીયાદ થઇ છે. તેવા જીતેન્દ્રસિંહની સફેદ કપડા સાથેની તસ્વીર.

રાજકોટ, તા., ૨૫: સમગ્ર ગુજરાતભરમાં ભારે ચકચારી બનેલ અમદાવાદ જીલ્લાના બાવળાના બાપુપુરા ગામે ખુદ જીલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા મતદાન મથકમાં સતત ઉપસ્થિત રહી બોગસ મતદાન કરાવવા સાથે બોગસ સહીઓ પણ કરી રહયાનો વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો છે.

ઉકત બાબત મતદાન મથકની અંદર બની હોવાનો ગાંધીનગરના કોંગ્રેસના સી.જે. ચાવડા દ્વારા કલેકટરને મોકલાયેલ વિડીયો મતદાર મથકની અંદર હોવાથી કાયદા મુજબ ચુંટણીપંચની બહુ જવાબદારી રહે નહિ આ બાબતની જવાબદારી જીલ્લા મેજીસ્ટ્રેટ અર્થાત કલેકટરની રહેતી હોવાથી ગાંધીનગરના કલેકટર પર આ શિરદર્દ સમી જવાબદારી આવી હોવાથી તેઓએ સાણંદ વિસ્તારના એસડીએમ અને અમદાવાદ ગ્રામ્યના એસપી આર.વી.અસારીને તપાસ કરવા જણાવ્યું છે.

નવાઇની બાબત એ છે કે પોલીંગ મથકમાં રહેલા કોઇપણ જવાબદાર અધિકારી કે કર્મચારીએ આ બાબતે કોઇ લેખીત કે મૌખિક ફરીયાદ કરી ન હોવાથી કોકડુ ગુંચવાયું છે.

વિડીયો ફુટેજ અંગેની સાયન્ટીફીક તપાસ જરૂરી બની હોવાથી હવે આ વિડીયો નવો છે કે જુનો એ બાબતે ફોરેન્સીક તપાસ કરાવવાનો નિર્ણય પણ કલેકટર દ્વારા થયાનું સુત્રો જણાવે છે.

જાણકારોના કથન મુજબ ફોરેન્સીક તપાસ ન કરાવવામાં આવે તો પણ જેઓના ઓર્ડર અમદાવાદ જીલ્લાના બાવળાના બાપુપુરા ગામે બુથ નં.૧માં થયેલા તેઓની વિગત અને ફોટાઓ ચકાસવામાં આવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય. આમાં બીજી કોઇ મોટી બાબત નથી.

દરમિયાન ચૂંટણીપંચે પણ નૈતિક ફરજ સમજી કલેકટરને આ બાબતે વિસ્તૃત તપાસ કરાવવા સુચવ્યાનું સુત્રો જણાવે છે. ગુજરાતના મુખ્ય ચુંટણી કમિશ્નરે પણ આવુ જ સુચન કલેકટરને કર્યાનું બહાર આવ્યું છે.

અત્રે યાદ રહે કે વાયરલ વિડીયોમાં સફેદ કપડામાં દેખાતી વ્યકિત જીલ્લા પંચાયત પ્રમુખ હોવાનું જણાવવા સાથે તેઓ અંદર રહી બોગસ મતદાન કરાવી રહયાની ફરીયાદ થઇ છે. મતદાર યાદી ચેક કરી જે મતદારો મતદાન કરવા નથી આવ્યા તેમના નામ અલગ તારવી તેમના નામે બોગસ વોટીંગ કરવાની સુચના આપી રહયા છે.

જેમના પર આ આક્ષેપ છે તેવા જીલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલ આરોપોને બેબુનિયાદ ગણાવવા સાથે આ વિડીયો જુનો છે અને તેમને આ વિડીયો કેટલો જુનો છે તેની જાણ ન હોવાનો બચાવ કરેલ.

સાણંદ વિધાનસભા અંતર્ગતના આ બુથ બાવળા વિસ્તારમાં આવે છે. સુત્રોના કથન મુજબ આજ સાંજ સુધીમાં આ મામલે કલેકટરને રિપોર્ટ મળી જનાર હોવાનું પણ સુત્રો જણાવે છે.

(3:53 pm IST)