Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અટકળોનું બજાર ગરમ

જો પરેશ ધાનાણી ચૂંટણી જંગ જીતી જાય તો વિપક્ષી નેતા કોણ બનશે?

નવી દિલ્હી તા. ૨૫ : ગુજરાતની અમરેલી બેઠક ઉપરથી વિધાનસભામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. ચર્ચાતી વિગત મુજબ જો તેઓ લોકસભાની ચૂંટણીનો જંગ જીતી જાય તો વિપક્ષી નેતા કોણ બનશે તેને લઇને અટકળોનું બજાર ગરમ છે.

ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર કોની જીત થશે અને કોની હાર થશે તેનો ફેસલો ૨૩ મેના રોજ આવવાનો છે. જોકે, તે પહેલા કોંગ્રેસના સિનીયર નેતાઓમાં રાજયમાં હવે વિરોધ પક્ષના નેતાનું પદ કોને મળશે તેનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. સવાલ એ છે કે જો આ લોકસભા ચૂંટણીમાં અમરેલીથી ચૂંટણી લડેલા પરેશ ધાનાણી જીતી જશે તો તેમના બદલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે?

પરેશ ધાનાણી ચૂંટણી જીતે તો તેમને દિલ્હી મોકલાશે કે પછી પક્ષ તેમને સાંસદ પદેથી રાજીનામું આપવા કહેશે તેની ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે. ધાનાણીએ જણાવ્યું હતું કે, હું સાંસદ તરીકે કામ કરું કે પછી વિરોધ પક્ષના નેતા તરીકે તેનો નિર્ણય પાર્ટીએ લેવાનો છે. જોકે, આ પ્રશ્ન હું જીતું તો ઉભો થશે, અને મને આશા છે કે હું ચોક્કસ જીતીશ.

જો કોંગ્રેસ ધાનાણીને બદલે કોઈ બીજા પાટીદારને વિરોધ પક્ષના નેતા બનાવે તો તેમાં વીરજી ઠુમ્મર (લાઠી), બ્રિજેશ મેરજા (મોરબી) અને નિરંજન પટેલ (પેટલાદ)માંથી કોઈ એક પાટીદાર નેતા તેમની જગ્યા લઈ શકે તેમ છે. જો કોંગ્રેસ પાટીદારને બદલે આદીવાસી નેતા પર પસંદગી ઉતારે તો અનિલ જોશિયારા (ભિલોડા), મોહનસિંહ રાઠવા (છોટા ઉદેપુર)ના નામ પર વિચારણા થઈ શકે છે. જો દલિત નેતાને આ પદ આપવાનું થાય તો શૈલેષ પરમાર તેની રેસમાં સૌથી આગળ હશે તેમ સૂત્રોનું કહેવું છે.(૨૧.૨૨)

(3:35 pm IST)