Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આકરા તાપમાં શાકભાજીના ભાવો આસમાને

કોથમીર, મરચા, લીંબુ, લીલા મરચાના ભાવ દઝાડે તેવા

અમદાવાદ તા. ૨૫ : આકરી ગરમી વચ્ચે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનાં ઘરના બજેટ ખોરવાઈ ગયાં છે. સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો લેખે મળતા કોથમીર, લીંબુ, લીલા મરચાં હાલમાં રૂ.૧૬૦ના કિલો લેખે વેચાય છે. જયારે રૂ.૪૦ના કિલો લેખે મળતાં શાકભાજીના ભાવ રૂ.૧૨૦ થી રૂ.૧૪૦ને આંબી જતા લોકોમાં રાડ બોલી ગઈ છે.

ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં. શાકમાર્કેટમાં શાકભાજી ઓછા ભાવે મળે તેના બમણાં ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોય શાકભાજીના વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યાં છે.

ઉનાળાના આરંભે જ લીલા શાકભાજીના ભાવ ઉંચે ચડવા સાથે કોથમીર, લીંબુ, લીલા મરચાંનો ભાવ રૂ.૧૬૦ને આંબી ગયા છે. શાકભાજીના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થયો છે. સામાન્ય દિવસોમાં શાકભાજી રૂ.૪૦ના કિલો મળતા હતા તે વધીને રૂ.૧૪૦ની આસપાસ થયા છે. જેમાં પરવળ, વટાણા, ચોળી જેવા શાકના ભાવ રૂ.૧૨૦ થી ૧૪૦ થઈ ગયા છે.

ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોય તેના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. લીંબુના ભાવ પણ ૧ કિલોના રૂ.૧૬૦ ને આંબી ગયા છે. તેવી જ રીતે મરચાં અને આદુનો ભાવ પણ એક કિલોના રૂ.૧૬૦એ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડવા પર પાટં સમાન છે.

શાકમાર્કેટમાં લીંબુ, કોથમીર, લીલાં  મરચાં રૂ.૯૦ થી ૧૦૦ના કિલો લેખે વેચાય છે. જયારે પાલડી પાસે આવેલ સેમી હોલસેલ મહાલક્ષ્મી વેજિટેબલ એન્ડ ફુટમાર્કેટમાં લીલા શાકભાજી ડબલ ભાવે વેચાણ થઈ રહ્યાં છે.  કેટલાક વેપારીઓ કેમિકલવાળા શાકભાજી વેચાણ કરી રહ્યા છે. ત્યારે હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરાવી જરૂરી છે. કારણ કે કેમિકલ યુકત શાકભાજી ખાવાથી ચામડી અને પેટના રોગો થતાં હોય છે.

ગુજરાતી થાળીનો ભાવ રૂ. ૩૦૦, ઉઘાડી લૂંટ

શહેરની હોટેલ-રેસ્ટોરન્ટોમાં થાળીમાંથી લીલા શાકભાજી જ ગાયબ કરી દેવામાં આવ્યાં છે અને મનફાવે તેટલા ભાવ વસૂલી રહ્યાં છે. ગુજરાતી ભોજન પીરસતા ડાઈનિંગ હોલમાં થાળીના રૂ.૨૪૦થી ૩૫૦ સુધી વસૂલાઈ રહ્યાં છે. જેના બદલામાં લીલા શાકભાજીનો છેદ ઉડાડી અને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

(11:38 am IST)