Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અમિત શાહ વિસ્તારદીઠ જુદા જુદા મતદાન મથકો પર પહોંચ્યા

અમિત શાહે મતદાનની ઝીણામાં ઝીણી માહિતી મેળવી : દિવ્યપથ હાઇસ્કૂલમાં મતદાનમથકે અમિત શાહ, કમલેશ બ્રહ્મભટ્ટ, ભૂપેન્દ્ર પટેલના મહાનુભાવોની હાજરી નોંધનીય

અમદાવાદ,તા. ૨૪ : ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણી માટેનું ગઇકાલે મતદાન યોજાયું ત્યારે ભાજપના ચાણકય મનાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે  પોતાની રાજકીય કુનેહ, સખત પરિશ્રમ અને ભાજપ પ્રત્યેની કટિબધ્ધતાનો વધુ  એક વખત પરિચય કરાવ્યો હતો. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર હતા અને ગઇકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બહુ મોટો હોઇ ત્યાંના મતદાન પર માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના રાજકીય વિશ્લેષકો અને માંધાતાઓની નજર મંડાયેલી હતી ત્યારે અમિત શાહે ખુદ લોકશાહીના મહાપર્વમાં મતદાનની ગંભીરતા સમજાવતાં જાતે રૂબરુમાં વિવિધ વિસ્તારોના અલગ અલગ મતદાન મથકોએ મુલાકાત લીધી હતી અને સૌકોઇને ચોંકાવી દીધા હતા. મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલ ખાતેના મતદાનમથકે અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોની હાજરી સ્થાનિક લોકોમાં ખાસ કરીને મતદારોમાં પણ નોંધનીય બની રહી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના અલગ-અલગ મતદાનમથકોએ જાતે રૂબરૂ પહોંચી સમગ્ર મતદાનની પ્રક્રિયા, મતદાનનો ઝોક અને મતદારોના ઉત્સાહ અને વલણ સહિતના મામલે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમિત શાહે ઝીણામાં ઝીણી માહિતી જાણી લોકશાહીના મહાપર્વમાં મતદાનની પવિત્ર ફરજને બિરદાવી હતી. શાહે મેમનગર, ઘાટલોડિયા, નારણપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા મતદાન મથકો પર પહોંચી મતદાન સંબંધી ઝીણામાં ઝીણી જાણકારી અને માહિતી મેળવી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર ગંભીરતાપૂર્વક નજર રાખી હતી. અમિત શાહ ભાજપના ચાણકય મનાય છે અને તેમનું બુથ લેવલનું મેનેજમેન્ટ અને માઇક્રોપ્લાનીંગ રાજકીય જગતમાં બહુ નોંધનીય રહ્યું છે ત્યારે આ વખતે તેમની રાજકીય કૂટનીતિ ભાજપને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશમાં ભાજપને સારી એવી સફળતા અપાવે તેવી શકયતાઓ ખુદ રાજકીય વિશ્લેષકો પણ જોઇ રહ્યા છે ત્યારે અમિત શાહ ચૂંટણી અને મતદાનને લઇ કેટલી બારીકાઇથી કામ કરે છે તેનો પરિચય ફરી એકવાર ત્યારે સામે આવ્યો કે, જયારે ગઇકાલે ચાલી રહેલા મતદાન દરમ્યાન અમિત શાહ અચાનક મેમનગરના દિવ્યપથ હાઇસ્કૂલ ખાતેના મતદાન મથક(શકિતકેન્દ્ર) ખાતે પહોંચ્યા. શાહે પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ સહિતના ભાજપના અગ્રણીઓને મતદાનને સ્વાભાવિક પૃચ્છા કરી ઝીણી માહિતી મેળવી હતી તો, અમિત શાહે આ પ્રસંગે મતદાન કરવા આવેલા મતદારોનો પણ આભાર માન્યો હતો અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. શાહે લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદાન કરી મતાધિકારની પવિત્ર ફરજ અદા કરવા મતદારોને અનુરોધ કર્યો હતો.

જો કે, મતદાન દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ, ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીને લઇ સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ અને આકર્ષણ જોવા મળ્યા હતા.

(9:49 pm IST)