Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ટીવીનાં રિમોટમાં અચાનક વિસ્ફોટ: 9 વર્ષના બાળકને ગંભીર ઇજા :લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં અચાનક વિસ્ફોટ

સુરતઃ ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં અચાનક વિસ્ફોટ થતા 9 વર્ષના બાળકના હાથમાં ઇજા પહોંચી હતીબાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે, ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે સુરજ ભાગવતભાઈ ભુસારા(ઉ.વ.9) પરિવાર સાથે રહે છે. હાલ વેકેશન હોવાથી સુરજ ઘરમાં ટીવી જોઈ રહ્યો હતો. દરમિયાન ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં વિસ્ફોટ થયો હતો. જેથી તેના હાથ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા થઈ હતી. ધડાકાનો અવાજ આવતા અને દીકરાની બુમાબુમથી પરિવારજનો દોડી આવ્યા હતા. અને દીકરાને લોહીલુહાણ હાલતમાં જોઈને હેબતાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અને હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ 2018માં પંચમહાલના કળજરા ગામમાં ટીવીના રિમોટમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 11 વર્ષનું બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. અને રિમોટ વિસ્ફોટના કારણે આંખોમાં ગયેલા કણોના કારણે આંખોનું ઓપરેશન પણ કરવું પડ્યું હતું.

ઈલેક્ટ્રોનિક એક્સપર્ટ મુજબ, રિમોટમાં રહેલા સેલના કારણે વિસ્ફોટ થવાની સંભાવનાઓ રહેલી છે. સેલ લિમિટેડ કરંટ ડ્રો કરે છે. જેથી ઘણીવાર સર્કિટમાં પ્રોબ્લેમ થવાથી વધુ કરંટ નીકળે છે. અને વધુ કરંટ નીકળવાના કારણે સર્કિટના પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે કરંટનો ફ્લો વધી જાય છે. જેના કારણે સેલનું ઈન્ટરનલ ટેમ્પ્રેચર વધી જાય છે. અને સેલ પેક થઈ જવાના કારણે વિસ્ફોટ થવાની સંભાવના વધી જાય છે.

લોકલ કંપનીઓના સેલ અને રિમોટ સસ્તામાં તૈયાર થતા હોય છે. જેના કારણે ગુણવતા ચેક કરવામાં આવતી નથી. ચાઈનાથી પણ મોટી માત્રામાં લોકલ કંપનીઓનો સમાન ઈમ્પોર્ટ કરવામાં આવે છે. અને સસ્તા મટીરિયલથી તૈયાર કરવામાં આવે છે. કોઈ ગુણવતા પણ ચેક કરવામાં આવતી નથી. જેથી તેની કિંમત ઘણી ઓછી હોય છે. અને આવા જ રિમોટમાં વિસ્ફોટ થવાની સંભાવનાઓ પણ રહેલી છે. જેથી આ પ્રકારના રિમોટ ખરીદવાનું ટાળવું જોઈએ.

(9:08 pm IST)