Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

બાવળામાં બોગસ મતદાનના કેસમાં તપાસ માટેના આદેશો

જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો જારી કરાયા : જિલ્લા પચાંયત પ્રમુખ જીતેન્દ્ર ચૌહાણ પર બોગસ મતદાન કરાવ્યાનો આક્ષેપ : ભાજપે વીડિયો જૂનો હોવાનું જણાવ્યું

અમદાવાદ,તા. ૨૪ : બાવળાના બાપુપુર બૂથનો બોગસ મતદાનનો કથિત વીડિયો સામે આવતાં ચૂંટણી તંત્ર અને અધિકારીઓ દોડતા થયા છે. સમગ્ર મામલો ગરમાતાં અને વિવાદની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે દ્વારા સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશો જારી કરી દેવાયા છે. જેથી હવે આ મામલાની ખરાઇ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બાવળાના બાપુપુર બૂથના બોગસ મતદાન અંગેનો કથિત વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો અને ઉહાપોહ મચી ગયો હતો. કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ચૂંટણી તંત્રને ફરિયાદ કરવામાં આવી હતો, વિવાદમાં ભાજપ બચાવની ભૂમિકામાં આવી ગયું હતું. કારણ કે, વાયરલ થયેલા કથિત વીડિયોમાં અમદાવાદ  જિલ્લા પચાંયત પ્રમુખ જીતેન્દ્ર ચૌહાણ પર બોગસ મતદાન કરાવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ વીડિયોમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ બોગસ મતદાનમાં સામેલ હોવાનું જોવા મળી રહ્યું છે. જીતેન્દ્ર ચૌહાણ પર ભાજપ તરફી મતદાન કરાવ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપે આ વીડિયો જૂનો હોવાનો દાવો કર્યો છે. આ સમગ્ર મામલે વિવાદ ગરમાતાં અમદાવાદ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ સહિતની અનેક ફરિયાદો ચૂંટણી પંચ સમક્ષ ગઇકાલના મતદાન દરમ્યાન કરી હતી અને ન્યાયિક તપાસની માંગ કરી હતી.

(7:46 pm IST)