Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ભુદરપુરામાં હોસ્ટેલમાં તોડફોડ પ્રકરણમાં દલિતો-ક્ષત્રિયો સામસામે

કોની તરફદારી કરવી, ભાજપ સરકાર મુંઝવણમાં : રાજપુત સંસ્થાઓના પ્રતિનિધીમંડળે સીએમને રજુઆત કરી, આરોપીઓને પકડો નહિંતર રેલી-ધારણા કરીશું

 અમદાવાદઃ ભુદરપુરામાં હોસ્ટેલમાં તોડફોડ કરવાના મામલે દલિતો અને ક્ષત્રિયો આમને સામને આવ્યા છે. આ પ્રકરણમાં રાજપુત સામાજીક સંસ્થાઓ આરોપીઓને પકડી સખત સજા કરવા માંગ કરી છે. તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે દલિતો સામેના પોલીસ કેસો પાછા ખેચવામાં નહિ આવે તો, આંદોલન કરાશે. અને અમદાવાદના તમામ ૭ બ્રીજ બંધ કરી દેવાશે.

 અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં હોસ્ટેલની યુવતીની છેડછાડના મામલે બે જુથો વચ્ચે બબાલ થઇ હતી. એટલુ જ નહિ, હોસ્ટેલમાં તોડફોડ ઉપરાંત વાહનોને આગ ચાપવામાં આવી હતી. આ મુદે વિવિધ રાજપુત સામાજીક સંસ્થાઓના ૫૦ થી વધુ પ્રતિનિધિઓ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. જયાં મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રીને મળીને એવી રજુઆત કરવામાં આવી હતી કે, ભુદરપુરામાં રાજપુત આઇએએસ-આઇપીએસ ભવનમાં તોડફોડ કરનારા આરોપીઓની ધરપકડ કડક કાર્યવાહી કરો. આ પ્રકરણમાં વિડીયો રેકોડીંગ સહિતના પુરાવા પણ રજુ કરવામાં આવ્યા હતા. એવી પણ રજુઆત કરાઇ કે, જો સરકાર આરોપીઓને નહિ પકડે તો, ઘરણાં રેલી યોજવા રાજપુતોએ મજબુર થવુ પડશે. પ્રદ્માવતી ફિલ્મના વિરોધ  પ્રદર્શન વખતે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવામાં પણ માંગ કરવામાં આવી હતી.

 ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સભાને સંબોધતા એવી ચિમકી ઉચ્ચારી કે, જો સરકાર ૭૨ કલાકમાં દલિતો વિરુધ્ધના પોલીસ પાછા નહિ ખેંચે તો અમદાવાદમાં સરકાર  કેસ સામે આંદોલન કરવામાં આવશે.

(3:44 pm IST)