Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના જુદા જુદા ભાગમાં વરસાદ

ખેડૂતોના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું : કોરોના દહેશત વચ્ચે ખેડૂતની ચિંતામાં સતત વધારો થયો હજુય વરસાદી માહોલ રહેવાની તંત્રની આગાહીથી ચિંતા

અમદાવાદ,તા. ૨૫ :  કોરોનાના કહેર વચ્ચે પણ આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક ક્ષેત્રોમાં કમોસમી વરસાદ અને માવઠાનો માર ચાલુ રહ્યો હતો. આજે અમદાવાદ, વડોદરા, ગીર સોમનાથ, મોરબી, હળવદ, મહીસાગરના લુણાવાડા, નવસારીના સંખેડા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ નોંધાતા લોકો ચિંતામાં મૂકાયા હતા. ખાસ કરીને સ્થાનિક ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોને કમોસમી વરસાદ અને આ માવઠાઓના કારણે પાકમાં બહુ ગંભીર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આજે રાજયમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર, મોરબી, હળવદ, તો મહીસાગરમાં લુણાવાડા, છોટા ઉદેપુર સહિતના પંથકોમાં  કમોસમી વરસાદ નોંધાયો હતો. નસવાડીના સંખેડા સહિતના પંથકોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇ કોરોનાના કહેર વચ્ચે સ્થાનિક લોકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

             એકબાજુ, ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં હજારો લોકોના મોત થયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. હાલ ગુજરાતમાં ૩૮ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના ભય વચ્ચે ગુજરાતનાં ખેડૂતો પર વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતના ખેડૂતોને પાણી પુષ્કળ પ્રમાણમાં મળ્યું છે પરંતુ કોઈના કોઈ વિપદાના કારણે ખેડૂતોને નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી દિવસોમાં થન્ડર સ્ટ્રોમની સ્થિતિ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો

આવી શકે છે. આ ઉપરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવે તો નવાઈ નહીં. થન્ડર સ્ટ્રોમની સ્થિતિના કારણે બનાસકાંઠા, વલસાડ, સુરત, જૂનાગઢ અને કચ્છના સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગના કહેવા મુજબ હજુ પણ વરસાદ જારી રહી શકે છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા હતા અને વરસાદી માહોલ રહ્યો હતો. અમદાવાદમાં તાપમાન ૩૬.૨ નોંધાયું હતું.

ક્યા કેટલું તાપમાન.....

અમદાવાદ, તા.૨૫ :  અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

વિસ્તાર....................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૩૬.૨

ડિસા............................................................ ૩૫.૫

ગાંધીનગર ................................................. ૩૫.૫

વીવીનગર................................................... ૩૫.૨

વડોદરા.......................................................... ૩૩

સુરત........................................................... ૩૭.૫

અમરેલી...................................................... ૩૭.૬

ભાવનગર.................................................... ૩૬.૩

રાજકોટ....................................................... ૩૫.૨

નલિયા........................................................ ૩૧.૫

પોરબંદર..................................................... ૩૫.૮

સુરેન્દ્રનગર...................................................... ૩૫

મહુવા............................................................. ૩૯

કેશોદ.............................................................. ૩૭

ભુજ............................................................. ૩૨.૬

કંડલા એરપોર્ટ............................................. ૩૬.૮

(9:44 pm IST)