Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના સંબંધિત સારવારમાં ખાનગી તબીબ જોડાઈ શકશે

સરકારી તબીબો સાથે ખાનગી તબીબોને અપીલ : કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છુક ખાનગી તબીબ હવે પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી શકશે

અમદાવાદ, તા.૨૪અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના વાઇરસની ખતરનાક અસર વધતી જાય છે અને હવે સ્થાનિક સ્તરે પણ પ્રસરતી થઇ છે ત્યારે આજે રાજય સરકારે કોરાનાની આરોગ્ય વિષયક સારવારમાં ખાનગી તબીબોને પણ તેમની બહુમૂલ્ય સેવાઓ આપવા અનુરોધ કર્યો છે. રાજયના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ રાજ્યનાં ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છુક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે એમ તેમણે ઉમેર્યું હતું.

       આ અંગે ડો.જયંતિ રવિએ ઉમેર્યું હતું કે, રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા તમામ મેડીકલ પ્રેક્ટિશનર્સ, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો જે-તે તબીબે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે-તે મ્યુનિસિપલ કમિશનરને અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલા વ્યક્તિ કે કચેરીને તાત્કાલિક જાણ કરવાની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગની અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના સુચારૂ અમલીકરણ હેતુ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે.

        ઉપરાંત ઝોનલ કક્ષાએ સિનિયર આઈ..એસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર માટે મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, વડોદરા માટે શિક્ષણવિભાગનાં સચિવ વિનોદ રાવ, સુરત માટે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રિશનના કમિશનર એમ.એસ.પટેલ અને રાજકોટ-ભાવનગર માટે ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. દરમ્યાન તેમણે અમદાવાદ સહિત રાજયભરમાં કોરોના વાઇરસના દર્દીઓ અને શંકાસ્પદ કેસોમાં આરોગ્ય વિષયક સારવાર અને સેવાઓમાં પોતાનું યોગદાન આપવા ખાનગી તબીબોને પણ અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરકારી તંત્ર અને તબીબો કોરોના સારવાર અને સેવામાં પહેલેથી લાગેલા છે ત્યારે હવે જો ખાનગી તબીબો પણ તેમાં જોડાય તો કપરા સમયમાં તેમની સેવા અને યોગદાન નોંધનીય બની રહે તેમાં કોઇ શંકા નથી. વળી, જો સરકારી તબીબોની સાથે ખાનગી તબીબો પણ જોડાય તો, કોરોના વાઇરસની સારવાર અને નિદાન સંબંધી કામગીરી વધુ અસરકારક અને નિર્ણાયક બનશે.

(9:49 pm IST)