Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જે પણ ઠાકોર સેનાને ટિકીટ આપશે તેને ખુલ્લુ સમર્થનઃ બનાસકાંઠાના ડીસામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠકમાં નિર્ણય

બનાસકાંઠા :બનાસકાંઠામાં લોકસભાની ટિકીટ માટે ઠાકોર સેના એડીચોટીનું જોર લગાવી રહી છે. જેમાં બનાસકાંઠાના ડીસા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઠાકોર સેનાના ઉમેદવારને ટિકીટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી અને જે પક્ષ ઠાકોર સેનાને ટિકીટ આપશે તેને ખુલ્લું સમર્થન કરવાનો નિર્ણય કરાયો હતો.

બનાસકાંઠા અને પાટણ બંને જિલ્લામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે, ત્યારે આ બંને બેઠક પર ઠાકોર ઉમેદવારને જ ટિકીટ મળે તે માટે રવિવારે ડીસાના ભોંયણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક બેઠક કરાઈ હતી. જેમાં જિલ્લાભરના ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઠાકોર સેનાને ટિકિટ મળે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી અને નિર્ણય કરાયો હતો કે ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઠાકોર સમાજને ટિકીટ નહિ આપે તો ઠાકોર સેના તેમના વિરુદ્ધમાં આગામી રણનીતિ તૈયાર કરશે. તો બીજી તરફ એમ પણ કહ્યું કે, જે કોઈ પક્ષ ઠાકોર સમાજને ટિકીટ આપશે તેને ઠાકોર સેનાએ ખુલ્લું સમર્થન આપવાની વાત કરી છે.

આ મામલે ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ ડી.ડી જાલેરાએ કહ્યું કે, જો કોઈ પણ ટિકીટ નહીં આપે તો તે પક્ષને ભોગવવાનો વારો આવશે. તો ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકણજી ઠાકોરનું કહેવું છે કે, અમારી ટિકીટ માટેની માંગણી રજુ કરીશું, જે પક્ષ અમને ટિકીટ આપશે તેને સમર્થન આપીશું.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા અને પાટણમાં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે અને આ બંને બેઠક પર ઠાકોર સમાજનું સમર્થન જ જીત નિશ્ચિત કરતું હોય છે, ત્યારે જો કોઈ પક્ષ ઠાકોર સમાજની અવગણના કરશે તો ચોક્કસ ચૂંટણીમાં તે પક્ષને મોટું નુકસાન સહન કરવું પડે તેવું હાલની પરિસ્થિતિ મુજબ દેખાઈ રહ્યું છે.

(4:57 pm IST)