Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

BMW ખરીદી હપ્તા ન ભરી શકતા શખ્સ મુંબઈ નાસી ગયો

ગાંધીનગર, તા. ૨૫ : એક સમયે એવું હતું કે તમારી પાસે મોંઘી વસ્તુ ખરીદવાના રૂપિયા ના હોય તો તેના માટે તમારે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ જ્યારથી હપ્તા પદ્ધતિ આવી છે ત્યારથી પોતાની એક સમયમાં વસ્તુ ખરીદી લેવાની તાકાત ના હોય તે લોકો પણ હપ્તાના આધારે મોઘી વસ્તુ વસાવી શકે છે. આવું કારમાં પણ જોવા મળે છે. પરંતુ એકવાર સાહસ કર્યા પછી જો હપ્તા ભરવાનું કાઠું પડે ત્યારે મોટી મુશ્કેલી આવી પડતી હોય છે. આવા બનાવોમાં લોકો ગુનાહીત પ્રવૃતિઓ પણ કરી બેસતા હોય છે. ગાંધીનગરમાં એક આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બીએમડબલ્યુ કાર માટે લોન લીધા પછી હપ્તા ભરવાના બદલે રફુચક્કર થઈ ગયેલા ગઠીયાને પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસે સેક્ટર ૨૯ની સોપિંગ પાસેથી સફેદ રંગની બીએમડબલ્યુ લઈને ફરતા ગઠીયાને ઝડપી પાડ્યો છે. કાર માટે શખ્સ વર્ષ ૨૦૧૬માં નાગરિક બેંકમાંથી લોન લીધી હતી. શખ્સે રાજકોટમાં પણ પોત પ્રકાશ્યું હતું અને તે મુંબઈ ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડી પાડવા માટે પોલીસ પણ કમરકસી હતી જેમાં સફળતા મળી છે.

પોલીસે બાતમીના આધારે તપાસ કરીને સેક્ટર-૨૯માંથી ઝડપી પાડ્યો છે. અનિલ વ્રજલાલ મેવાડા નામના સેક્ટર-૨ના રહેવાસીએ ગાંધીનગર નાગરિક બેંકમાંથી લોન લઈને બીએમડબલ્યુ કાર ખરીદી હતી. અનિલે કાર લીધા પછી તેના હપ્તા ભરવામાં ઠાગાઠૈયા કર્યા હતા અને તે ફરાર થઈ ગયો હતો. બેંકમાં સમયસર હપ્તા ના આવવાના કારણે અનિલ સામે ફરિયાદ નોંધાઈ હતી.

બેંક દ્વારા પોતાના હપ્તા ભરવામાં આવે તે માટે અનિલને રિમાઈન્ડર મોકલવામાં આવ્યું હતું પરંતુ હપ્તા ના ભરાતા મામલે વર્ષ ૨૦૧૯માં ફરિયાદ નોંધવામાં આવી હતી. અનિલે રાજકોટમાં પણ છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે આરોપીએ મુંબઈ જઈને શું કર્યું અને રાજકોટમાં કોની સાથે છેતરપિંડી કરી તે અંગે વિગતે તપાસ કરવામાં આવશે.

બેંક સાથે છેતરપિંડી કરીને લક્ઝુરિયસ કાર લીધા બાદ હપ્તા ના ભરવાના ગુનામાં અનિલની ધરપકડ કરીને પોલીસે આરોપીની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આગામી સમયમાં કેટલાક વધુ ખુલાસા થવાની સંભાવના દેખાઈ રહી છે.

(9:15 pm IST)