Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

2006 કાલુપુર બ્લાસ્ટ કેસ : ગુનામાં મદદગારીના આક્ષેપ સાથે ધરપકડ કરાયેલા અબ્દુર રજાક ગાઝીના કોર્ટે જામીન ફગાવ્યા

આરોપી સામે ગંભીર પ્રકારના આક્ષેપ છે, જેથી તેને હાલ જામીન આપી શકાય નહિ.

વર્ષ 2006 કાલુપુર રેલવે સ્ટેશન બૉમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા આરોપીઓને બાંગ્લાદેશ સરહદ પાર કરાવવા માટે આશ્રય આપવાના આક્ષેપ સાથે ધરપકડ કરાયેલા આરોપી – અબ્દુર રજાક ગાઝીના અમદાવાદની કોર્ટ દ્વારા જામીન ફગાવી દેવામાં આવ્યા છે

કોર્ટે આરોપીના જામીન ફગાવતા નોંધ્યું હતું કે ગુનામાં ચાર્જશીટ દાખલ થવાથી સંજોગોમાં કોઈ ફેરફાર થતો નથી. આરોપી સામે ગંભીર પ્રકારના આક્ષેપ છે, જેથી તેને હાલ જામીન આપી શકાય નહિ. નોંધનીય છે કે આરોપીની બૉમ્બ બ્લાસ્ટની ઘટનાના 14 વર્ષ બાદ ધરપકડ ધરપકડ કરવામાં આવી છે.

અરજદાર – આરોપીના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે આરોપી પર બે – આરોપીઓને બાંગ્લાદેશ સરહદ પાર કરાવવા માટે આશ્રય આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જોકે આ બે આરોપીઓ પૈકી એક આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યો છે, જ્યારે બીજા આરોપીનો કેસ પેન્ડિંગ છે. અરજદારને વર્ષ 2018માં પાસપોર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમાં થયેલી પોલીસ વેરિફિકેશનમાં પણ આરોપી સામે કોઈ કેસ મળી આવ્યો નથી

આ સિવાય આરોપીના વકીલે વધુમાં રજુઆત કરી હતી કે વર્ષ 2012માં પશ્ચિમ બંગાળના પ્રાઇમરી શિક્ષણ વિભાગ દ્વારા TATની પરીક્ષા માટે આરોપીને એડમિટ કાર્ડ પણ જારી કરવામાં આવ્યું હતું. આરોપી પશ્ચિમ બંગાળના બસીરહાટમાં તેના પરિવાર સાથે આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડમાં દર્શાવેલા એડ્રેસ પર રહે છે.

આ મુદ્દે મદદનીશ સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપી છેલ્લા 14 વર્ષથી ફરાર હતો અને પોતે પશ્ચિમ બંગાળના બસીરહાટનો રહેવાસી છે, જો જામીન આપવામાં આવશે તો આરોપી ભાગી પણ શકે છે અને કેસની ટ્રાયલ દરમિયાન હાજર નહિ રહે. જેથી આરોપીના જામીન ફગાવી દેવા જોઈએ.

આરોપી અબ્દુલ રજાક ગાઝીની ગુજરાત ATSની ટીમ દ્વારા 24મી ઓગસ્ટ 2020ના રોજ પશ્ચિમ બંગાળના બસીરહાટમાથી ધરપકડ કરવામાં આવી હતી. 19મી ફેબ્રુઆરી 2006ના રોજ અમદાવાદના કાલપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પાસે બ્લાસ્ટ થયો હતો.જેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા હતા

(8:11 pm IST)