Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ગાંધીનગરમાં કોર્પોરેશનદ્વારા ફાયર સેફટી મુદ્દે લાલ આંખ:ફાયરના સાધનો વિના 38 એકમ સીલ કરવામાં આવ્યા

ગાંધીનગર:મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં આવેલા વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી હતી. જે પૈકી ૭૦૯માંથી ર૮૧ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં ૭૭ જેટલી ઉંચી રહેણાંક બિલ્ડીંગો પાસે પણ એનઓસી નથી ત્યારે આવી સ્થિતિમાં ફાયર બ્રિગેડ દ્વારા સે-૧૧માં આવેલી અને ફાયર સેફટી વગરની બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને દસ દિવસમાં ફાયર સિસ્ટમ અદ્યતન કરી એનઓસી મેળવી લેવા તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં આ બિલ્ડીંગના સંચાલકોએ નોટિસને અવગણી હતી. જેના પગલે અહીં સીલીંગની ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી અને સંચાલકોએ રાતોરાત ફાયર સિસ્ટમ પણ સુદ્રઢ કરી દીધી હતી. ત્યારે હજુ પણ ઘણા એકમોમાં નોટિસો બાદ પણ ફાયર સિસ્ટમ સુદ્રઢ નહીં થતાં આજે ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર ઓફીસર મહેશ મોડ અને તેમની ટીમે સરગાસણ વિસ્તારમાં સીલીંગની ઝુંબેશ હાથ ધરી હતી. સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા અટ્રીયા કોમ્પલેક્ષમાં ૩૦ ઓફીસ અને દુકાન સીલ કરવામાં આવ્યા હતા. જયારે તેની બાજુમાં સિધ્ધરાજ ઝોરી કોમ્પલેક્ષમાં આવેલા બી-માર્ટ અને વૃંદાવન ટ્રેડ સેન્ટરમાં આવેલા મેપલ માર્ટમાં પણ ફાયર સેફટી નહીં હોવાથી આ એકમને પણ સીલ કરવામાં આવ્યું હતું. સંચાલકો ફાયર સિસ્ટમ સુદ્રઢ કરી ફાયર વિભાગની એનઓસી નહીં લેવામાં આવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારે સીલીંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.  હાલ તો આ ઝુંબેશના કારણે ફાયર એનઓસી વગર ધમધમતી બિલ્ડીંગોના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.

(5:40 pm IST)