Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં તબીબો મોડા આવતા હોવાની બુમ : દર્દીઓને મુશ્કેલી

બહારથી આવતા તબીબો સવારે ૧૦ વાગ્યા બાદ આવતા હોય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને કલાકો રાહ જોવી પડે છે : સરકારી નિયમની પરવાહ ન કરી બીમાર દર્દીઓને ટલ્લે ચઢાવતા તબીબો :સિનિયર સીટીઝન અને વૃધ્ધો માટે અલગ ઓપીડી ચલાવવાના નિયમનું પણ કોઈ પાલન થતું નથી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલના ખોખલા વહીવટના કારણે વારંવાર દર્દીઓને તકલીફમાં મુકાવવું પડતું હોય હોસ્પિટલના સત્તાધિશો કેમ મૌન રાખી તમાશો જુવે છે એ સમજાતું નથી.

 

       નર્મદા જિલ્લાના પછાત વિસ્તારોમાં રહેતા અને મજૂરી કામ કરી જીવન ગુજારતા ગરીબ પરિવારના દર્દીઓ રાજપીપળા સિવિલમાં વધુ આવતા હોય વહેલી સવારે આવી ડોક્ટરને દેખાડી બપોરે મજૂરી કામ કરી રોજી મેળવવાની આશા એ આવતા દર્દીઓ જ્યારે સવારે ૯ વાગ્યાનો સમય હોય આઠ વાગ્યાના હોસ્પિટલ પર આવી વહેલો નંબર લાગે તેવી આશા એ આવે પરંતુ રાજપીપળા સિવિલમાં મોટા ભાગના મોટા ડોક્ટરો કે જે બહારગામ થી અપડાઉન કરતા હોય તે ૧૦ વાગ્યા બાદ ફરકતા હોય ગરીબ દર્દીઓ રાહ જોઈ કલાકો અટવાય છે. આવી હાલતમાં બીમાર ગરીબ દર્દીઓ નહીં ઘરના કે નહીં ઘાટના જેવી મુસીબતમાં મુકાય છે.જોકે હોસ્પિટલનો સરકારી સમય ન સાચવતા અમુક ડોક્ટરો કે અન્ય સ્ટાફની મનમાની અધિકારીઓ કેમ ચલાવી લે છે તે સમજાતું નથી તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓ પગલાં લે તેવી માંગ ઉઠી છે.
       સાથે નિયમ મુજબ સિનિયર સીટીઝન અને વૃધ્ધો માટે અલગ ઓપીડી ચલાવવાના નિયમનું પણ કોઈ પાલન થતું ન હોવાની વારંવાર ફરિયાદો સંભળાઈ છે જેમાં જાણવા મળ્યા મુજબ હાલ ઓપીડીમાં વધુ સમય કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા ડોક્ટરો જ જણાય છે.અને ઉપર વોર્ડ માં દાખલ દર્દીઓની તપાસ પણ રેગ્યુલર તબીબો રાઉન્ડ ન મારતા નિયમિત રીતે થતી ન હોવાની પણ બુમ સંભળાઈ રહી હોય જિલ્લા કલેક્ટર કે સિવિલ સર્જન આ ગંભીર બાબતે પગલા લે તે જરૂરી છે.
 ગર્ભવતી મહિલાઓ માટે સોનોગ્રાફીની મોટી કતાર હોય એમાં પણ સાંજે સમય કરતાં વહેલી કામગીરી બંધ કરી કેશ કઢાવી કલાકો થી બેઠેલી મહિલાઓને પણ કાલે આવજો કહી પરત મોકલી દેવાતા હોવાની પણ બુમ સંભળાઈ હોય તદ્દન ખાડે ગયેલા સિવિલના આવા વહીવટ થી સિનિયર સિટીજનો,વૃધ્ધો અને ગર્ભવતી મહિલાઓ ધક્કે ચઢી રહી હોય ત્યારે સરકારની વિકાસની વાતો અહીંયા પોકળ સાબિત થતી લાગે છે.

(7:28 pm IST)