Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નર્મદામાં બે મહત્વના ડેમો આવ્યા હોવા છતાં અંતરિયાળ ગામોમાં પાણીની ગંભીર તકલીફ

દેડિયાપાડાના ગીચડ‌ ગામના પટેલ ફળિયાના રહીશોને પાણીના વલખાં :હેન્ડ પંપ બોર કે અન્ય કોઈ પીવાના પાણી માટેની સુવિધા ન હોવાથી લાબું અંતર કાપી કોતરોમાંથી પાણી લાવવા લોકો મજબુર:પટેલ ફળિયાના રહેવાસીઓએ પાણી માટે અનેકવાર તંત્રને રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં ગીચ જંગલો વચ્ચે ના ગીચડ ગામના પટેલ ફળિયામાં અંદાજીત ૬૦થી વધુની વસ્તી હોવા છતાં આ ફળિયામાં હજુ સુધી હેન્ડ પંપ, બોર કે પાણી માટેની અન્ય કોઈ સુવિધાઓ તંત્ર દ્વારા ઉભી ન કરાતા ગ્રામજનો એ લાબું અંતર કાપી પાણી લેવા ચાલીને ખાડી કોતર સુધી જવું પડે છે.સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે ત્યારે આવા અનેક ગામોમાં પાણી જેવી બાબતે લોકો વલખા મારતા હોય તેમની ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી ગામના લોકો પોતાના જીવન જરૂરિયાત માટેનુ તેમજ ઢોરઢાંખર માટે પાણી મેળવવા ખાડી કોતરમા ખૂંડીને ડુંગરો ચાલી પાણી મેળવી જીવી રહ્યા છે.

 

 નર્મદામા પાણીની વાત કરીએ તો મહત્વના બે ડેમોમાં કરજણ ડેમ તેમજ નમૅદા ડેમ આવેલા છે જેનુ પાણી કચ્છ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના અન્ય દુર દુરના વિસ્તારોમાં પુરૂ પાડવામાં આવી રહ્યું છે આ ડેમોની નજીકમા આવેલા ગામડાઓને જ પાણી માટે વલખા મારવા પડે ત્યારે ઘર ના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ જોવા મળે છે.પાણીની આ તકલીફ બાબતે તાત્કાલિક ધોરણે હેડપંપ અથવા અન્ય કોઇ યોજના હેઠળ પાણીની વ્યવસ્થા કરી આ સમસ્યા હલ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.

(7:21 pm IST)