Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સુરત મહાનગરપાલિકાએ ફરી એક વખત તબીબે મહિલાઓ સાથે કરેલી ઘટનાને અવળા ટ્રેક ઉપર લઇ જવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ કર્યો

સુરત: વિવાદને દબાવવાનો પ્રયાસ હંમેશા કરતી સુરત મહાનગરપાલિકાએ ફરી એક વખત મહિલાઓ સાથે બનેલી ઘટનાને અવળા ટ્રેક પર લઈ જવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ તપાસ દરમિયાન અન્ય સરકારી વિભાગો દ્વારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. આ માટે મહાનગર પાલિકાના કમિશ્નર સૂચના આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મહિલા ક્લાર્ક કર્મચારીઓને નિર્વસ્ત્ર કરી લેવાયેલા ફિટનેસ પરીક્ષણમાં નવો વિવાદ ઉમેરાયો છે.

આખો મામલો મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો છે, તેમ છતાં નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને અન્ય ડોકટર આ ગંભીર ઘટના અંગે ખુલાસા કરતા નજરે આવ્યા છે. આ સમગ્ર મામલે નવી સિવિલ હોસ્પિટલને કોઈ સંબંધ ન હોવા છતાં નવી સિવિલના સુપરિટેન્ડન્ટ ડો. પ્રિતી કાપડિયા જાતે ફિઝિકલ ટેસ્ટ કઈ રીતે કરાય છે તે અંગે જાણકારી આપવા લાગ્યા હતા. પોતે જણાવ્યું હતું કે મનપા કમિશનરના કહેવાથી તેઓ સામેથી આ અંગે જાણકારી આપી રહ્યા છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ફિટનેસ ટેસ્ટમાં જણાવવામાં આવે છે કે તેઓનું કઈ રીતે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે આવશે.

જો તેઓને નિર્વસ્ત્ર કરવાની વાત છે તો તેઓએ આપત્તિ શા માટે નહી ઉઠાવી. એવું જ નહીં તેઓએ વિવાદિત તક આપતા જણાવ્યું હતું કે જે યુવતીઓ ૨૫ વર્ષની છે અને વિવાહિત નથી અને બે થી ત્રણ મહિના સુધી તેઓને માસિક ના આવે તો તે ગર્ભવતી હોઈ શકે છે. આવા સંજોગોમાં અપવાદ રૂપે ડોક્ટરો પ્રેગ્નેન્સી ટેસ્ટ કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ અવિવાહિત યુવતી અને માસિક છેલ્લા બે-ત્રણ મહિનામાં ન આવે તો હાર્મોનલ પ્રોબ્લેમ અથવા અન્ય સમસ્યા હોઈ શકે છે તેમ છતાં નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને કાપડિયા આ બાબતને પ્રેગ્નન્સીથી જોડી રહ્યા હતા. આખો મામલો ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે હવે પાલિકા કમિશ્નરે પણ જવાબ આપવો પડશે કે શા માટે તેમને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ને આ સમગ્ર મામલે બ્રિફિંગ કરવા જણાવ્યું હતું.

(4:37 pm IST)