Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જતી મહેસાણા લો કોલેજની બસને અકસ્માત : 24 છાત્રાઓને ઇજા : બે ગંભીર

ઇફ્કો કંપની નજીક અન્ય બસ સાથે ટક્કર થતા ધડાકાભેર અકસ્માત

અમદાવાદના મોટેરા સ્ટેડીયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહેલા મહેસાણા લૉ કોલેજના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડતાં અંદર બેઠેલા ૨૪ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાં બે વિદ્યાર્થીઓ ગંભીર હોવાનું જણવા મળે છે.

તમામ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે કલોલ અને ગાંધીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં આવેલ લૉ કોલેજના ૫૩ જેટલા વિદ્યાર્થીઓને લઇને સોમવારે સવારે એક એસટી બસ મહેસાણાથી અમદાવાદ ખાતે યોજાયેલ નમસ્તે ટ્રામ્પ કાર્યક્રમમાં જવા રવાના થઇ હતી. અમદાવાદ-મહેસાણા હાઇવે રોડ ઉપર આવેલ ઇફકો કંપની નજીક પસાર થઇ રહેલ અન્ય એક બસ સાથે એકાએક ટક્કર થતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અંગે ડો.મહેશ પટેલે જણાવ્યું હતું કે મહેસાણાની લૉ કોલેજના વિદ્યાર્થીઓને લઇને જતી બસમાં બેઠેલાઓ પૈકી ૨૪ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર તેમજ કલોલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બે બસો વચ્ચે થયેલી ટક્કરને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. અને તેમણે બુમાબુમ કરી મુકી હતી. ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

(11:56 am IST)