Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગુજરાત પોલીસ ઇન્ટરનેશનલ બંદોબસ્ત માટે સક્ષમ હોવાનું પુરવારઃ આશીષ ભાટીયા

રોડ-શો દરમિયાન તમામ પોલીસ સ્ટાફના મોબાઇલો સુપરવાઇઝરી સ્ટાફે લઇ લીધેલઃ હોકી-ટોકી આપેલઃ ટવીટર પર પોલીસ સ્ટાફનો આભાર માનનાર સિનીયર આઇપીએસ શમશેરસિંઘ વર્ણવે છે રસપ્રદ વાતોઃ અમદાવાદના લોકોએ નિભાવેલી અતિથિ દેવો ભવઃની ભાવનાથી અભુતપુર્વ સંકલન શકય બન્યું: અજયકુમાર તોમરઃ અમેરીકાથી એરફોર્સ-૧માં અમદાવાદ આવી એરફોર્સ-ર માં આગ્રા ગયેલા અમેરીકન પ્રમુખના બંદોબસ્ત માટે ૧ માસથી રાત-દિવસ એક કરનારા સુકાની આશીષ ભાટીયા-રોડ-શોની કપરી જવાબદારી સંભાળનાર શમશેરસિંઘ અને ઓવર ઓલ સુપરવીઝન સંભાળનાર અજયકુમાર તોમર ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટના અનુભવોની એકસકલુઝીવ વાતો અકિલા સમક્ષ વર્ણવી

રાજકોટ, તા., ૨૫: દુનિયાના સૌથી  વધુ શકિતશાળી દેશ અમેરીકાના પ્રેસીડન્ટ  સૌ પ્રથમ વખત દિલ્હીના બદલે સીધા અમદાવાદ આવી મોટેરા સ્ટેડીયમમાં અધધ ભીડને સંબોધી, ભવ્યાતિભવ્ય રોડ શો કર્યો  એરફોર્સ અમેરીકાથી ટ્રમ્પ એરફોર્સ વનમાં અમદાવાદ આવી એરફોર્સ ટુ વિમાનમાં આગ્રા પહોંચ્યા બાદ જ છેલ્લા એક માસથી  તૈયારીમાં ગળાડુબ અને સખત રાત ઉજાગરા કરનાર અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા,  શમશેરસિંઘ અને અજય તોમરથી માંડી નાનામાં નાના પોલીસ સ્ટાફે નિરાંતનો શ્વાસ લીધો છે. ત્યારે આ આખો બંદોબસ્ત કરવામાં મહત્વનો ભાગ ભજવનાર સુકાની એવા આશીષ ભાટીયાએ અકિલાને  બંદોબસ્તના નિષ્કર્ષ અંગે જણાવેલ કે ગુજરાત પોલીસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બંદોબસ્ત કરવા સક્ષમ હોવાનું પુરવાર થયું.

આ બંદોબસ્તને સફળ બનાવવા માટે  ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના નાનામાં નાના પોલલીસ સ્ટાફે ભજવેલી ભુમીકા સરાહનીય છે. તેઓએ જણાવેલ કે દુનિયાનું વિશાળ સ્ટેડીયમ કે જયા ઇવેન્ટ હતી તે અમારા માટે સાવ નવુ હતું. કાર્યક્રમ પણ પ્રથમવાર થતો હતો સ્ટેડીયમને ફાઇનલ ટચ બાકી હતું આવા સંજોગોમાં ઇંચેઇંચ તપાસી તે મુજબ બંદોબસ્ત કરવો બહારથી  અઢી હજારથી ત્રણ હજાર જેટલા વાહનો આવવાના હતા તે પાર્કીગ કરાવવા એ બધુ લોઢાના ચણા ચાવવા જેવું હતું. આમ છતા  બધુ સુપરેપાર પડી ગયું તે બાબતનો હર્ષ છે.

શમશેરસિંઘ

સ્ટેડીયમ બંદોબસ્તની માફક સૌથી વધુ ટફ બંદોબસ્ત એટલે ભવ્યાતિભવ્ય રોડ શો રર કિલોમીટરના રોડ શોમાં દુનિયાના સૌથી વધુ શકિતશાળી અમેરીકન પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ નિકળ્યા હોય ત્યારે રોડ ઉપર કોઇ અવ્યવસ્થા સર્જાય નહિ, લોકો શાંતીથી રોડ-શો નિહાળે અને સાથોસાથ આ બંને મહાનુભાવો ઉપર આતંકવાદી જોખમ હોવાથી તે બાબત પણ નજર અંદાજ ન કરી શકાય એવા કપરા સંજોગો હતા.

કાર્યક્રમ અંગે પણ ગુપ્તતાના કારણે અમેરીકી પ્રમુખ આશ્રમ જશે કે નહિ જાય? આ બધી બાબતો અનિશ્ચિત હતી આમ છતા આ બધુ ખુબ જ સારી રીતે પાર પડી ગયું તે માટે ગુજરાત પોલીસના નાનામાં નાના સ્ટાફે જે રીતે સહકાર આપ્યો તેને કારણે અશકય શકય બની ગયું તેમ રોડ-શોની જવાબદારી જેના શીરે હતી તેવા એડીશ્નલ ડીજીપી કક્ષાના શમશેરસિંઘે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ખાસ ટવીટ કરી ગુજરાત પોલીસનો આભાર માનનાર આ આઇપીએસે જણાવેલ કે ૩ દિવસથી આખી રાતનો ઉજાગરો હતો છતાં સવારે સ્વસ્થ રહી તમામે બંદોબસ્તની રૂપરેખા જાળવવાની કામગીરી કરી. તેઓએ જણાવેલ કે રોડ-શો દરમિયાન તમામ પોલીસ સ્ટાફ પાસેથી તેમના મોબાઇલો લઇ લેવામાં આવેલ જેથી તેઓનું ધ્યાન મોબાઇલની કોઇ એપમાં ન રહે, કોમ્યુનીકેશન જાળવવા માટે તમામને વોકી-ટોકી આપવામાં આવ્યા હતા.

અજયકુમાર તોમર

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એડીશ્નલ ડીજીપી કક્ષાના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર કે જેઓને બંદોબસ્તનું ઓવરઓલ સુપર વીઝન સુપ્રત થયેલું તેઓએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગુજરાત પોલીસે અમેરીકાની સિક્રેટ સર્વિસ, એસપીજી અને ખાસ કરીને લોકોના સહકારથી આ કપરૂ કાર્ય પાર પાડયું તમામ આયોજન જે રીતે ગોઠવાયું હતું તે જ રીતે કાર્ય થાય અને તે તમામનું સંકલન કયાંય તુટે નહી તે જવાબદારી પણ ખુબ જ મહત્વની હતી. તેઓએ પોલીસ સ્ટાફ સાથે લોકોને યશ આપતા જણાવેલ કે લોકોના સહકાર વગર આવડો મોટો આંતરરાષ્ટ્રીય કક્ષાનો બંદોબસ્ત શકય ન હતો. લોકોએ છેલ્લા ઘણા દિવસથી સ્વયં શિસ્ત જાળવી હતી. નાની-મોટી અગવડતા હસતા મોઢે સહન કરી હતી લોકોને એ વાતનો આનંદ હતો કે દુનિયાના સૌથી શકિતશાળી દેશના વડા આજે પોતાના આંગણે અતિથિ થઇ રહયા છે. આમ અમદાવાદની પબ્લીકે અતિથી દેવો ભવઃની ઉકિત સાચા અર્થમાં સાર્થક કરી હતી.

(11:36 am IST)