Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

"નમસ્તે ટ્રમ્પ" ઝળહળતી સફળતા: સીએમ રૂપાણીની કેપ્ટનશિપ નીચે ટીમ ગુજરાતનું શાનદાર પ્રદર્શન!

ટૂંકી નોટિસમાં પણ ઉત્તમ કામ કરી દેખાડ્યું: એકપણ પ્રકારનાં અનિચ્છનીય બનાવ વિના રંગેચંગે ઇવેન્ટ સંપન્ન : 450 કેમેરાની આંખે દુનિયાનાં 190 દેશોના લોકોએ નિહાળી ઇવેન્ટ: અમદાવાદ અને ગુજરાતનાં દુનિયામાં ડંકા વાગ્યા

અમદાવાદ : નમસ્તે ટ્રમ્પ ની ઝળહળતી સફળતાએ મુખ્યમંત્રી રૂપાણીના સુકાનીપદે શાનદાર પ્રદર્શન સાથે સંપન્ન થઇ છે હજુ એકાદ મહિના પહેલાં તો "નમસ્તે ટ્રમ્પ"ના આયોજન વિશે જ અવઢવ હતી, ખાસ કશું નક્કી નહોતું. અને આજે એ ઐતિહાસિક કાર્યક્રમ રંગેચંગે સંપન્ન પણ થઈ ગયો. આટલાં ટૂંકા ગાળામાં આવા વિરાટ આયોજનની તૈયારીનો બહુ મોટો શ્રેય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અને ટીમ ગુજરાતને જાય છે. પરિવારમાં એક લગ્ન લેવાયાં હોય તો પણ તૈયારી માટે ચાર-છ મહિના જોઈએ, અહીં અત્યંત મર્યાદિત સમયમાં વિશ્વકક્ષાની ઇવેન્ટનું આયોજન કરવાનું હતું. બીજું, આ ઇવેન્ટ માત્ર બે નેતાઓની નહોતી, તેમાં લાખોની સંખ્યામાં સામાન્યજન પણ જોડાવાનાં હતા. તેમ છતાં આ આખો કાર્યક્રમ વિનાવિઘ્નએ એકદમ સરળતાથી પાર પડ્યો હતો.

 

          પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનાં આયોજન માટે આમ તો એક સમિતિ બની હતી. પરંતુ ટ્રમ્પ જેવા જગતનાં પ્રથમ ક્રમાંકના VVIP આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ રાજ્યનાં સુકાનીની જવાબદારી વધી જતી હોય. સિક્યુરિટી, ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ-શૉ, જરૂરી સવલતો, આયોજન સ્થળ જેવી સેંકડો બાબતો રાજ્ય સરકારે જ જોવી પડે. CM રૂપાણીએ એક પડકાર તરીકે આ ઇવેન્ટ સ્વીકારી અને વિશ્વકક્ષાનું આયોજન કરી દેખાડ્યું. તેમણે આ ઇવેન્ટને સફળતાપૂર્વક પાર પાડવા શ્રેણીબદ્ધ બેઠકો કરી હતી, દરેક બાબતોમાં  અંગત રસ લીધો હતો અને એક ચૂક પણ ન થાય તેનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 450 કેમેરા થકી કંડારવામાં આવેલી આ અવિસ્મરણીય ઇવેન્ટનું પ્રસારણ દુનિયાનાં 190 દેશોમાં થયું હતું. જગતભરનાં પત્રકારોની અને મીડિયા માંધાતાઓની તેનાં પર નજર હતી. આવા દબાણ હેઠળ પણ CM રૂપાણી અને ટીમ રૂપાણી તથા ટીમ ગુજરાતે કાર્યક્રમને ક્ષતિરહિત, યાદગાર અને બ્લૉકબસ્ટર બનાવ્યો હતો.

(10:36 pm IST)