Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

હેન્ડ બુક ફોર એડવોકેટ્સ લો સ્ટુડન્ટસમાં લોકપ્રિય બન્યું છે

સનદથી લઇ સુપ્રીમના ચુકાદાની પુસ્તકમાં માહિતી : હાઇકોર્ટના સિનિયર એડવોકેટ ગોસ્વામી અને એડવોકેટ કરણસિંહ દ્વારા લિખિત પુસ્તકમાં ખુબ ઉપયોગી માહિતી

અમદાવાદ,તા.૨૫ : જુનીયર વકીલોને કાયદાકીય ક્ષેત્રમાં પ્રેકટીસમાં મદદરૂપ થાય અને તેઓ સ્વનિર્ભર રીતે આત્મવિશ્વાસ સાથે કોર્ટ કેસો ચલાવી શકે અને કાયદાશાખાના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન મળી રહે તેવું કાયદાકીય જોગવાઇઓ, સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિતની માહિતીસભર જાણકારી અને જોગવાઇઓ સાથે તૈયાર કરાયેલું હેન્ડ બુક ફોર એડવોકેટ્સ પુસ્તક  તાજેતરમાં જ લોન્ચ કરાયું છે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ કરણસિંહ બી.વાઘેલા લિખિત હેન્ડબુક ફોર એડવોકેટ્સ પુસ્તક જુનીયર વકીલો સહિતના વકીલઆલમ, લો સ્ટુડન્ટ્સ, રસ ધરાવતા પક્ષકારો અને સરકારી અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે, કારણ કે, સૌપ્રથમવાર આ પ્રકારનું અને ગુજરાતી સરળ ભાષામાં કાયદાકીય જોગવાઇઓ અને તેના અર્થઘટન પુસ્તકમાં બંને એડવોકેટ્સ લેખકો દ્વારા સમજાવવામાં આવ્યા છે. વકીલઆલમમાં આ પુસ્તક લોકપ્રિય થઇ રહ્યું છે, તેનું એક કારણ એ પણ છે કે, જુનીયર વકીલો માત્ર આ પુસ્તકના આધારે પણ તેમના લિટિગેશન્સ અને કાયદાકીય કેસો ચલાવી શકે છે અને આત્મવિશ્વાસ સાથે કોર્ટોમાં અપીઅર થઇ શકે છે અને તેથી જ તેનું નામ હેન્ડબુક ફોર એડવોકેટ્સ રાખવામાં આવ્યું છે કે કોઇપણ જુનીયર વકીલ હાથમાં આ પુસ્તક રાખી કાયદાના ક્ષેત્રમાં સ્વતંત્રતાથી અને સ્વનિર્ભરતા સાથે આગળ વધી શકે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને એડવોકેટ કરણસિંહ બી.વાઘેલાએ આ પુસ્તકમાં ૧ થી ૧૧ ભાગમાં સનદ, વકીલનું ઓળખપત્ર, બાર એક્ઝામીનેશન, પ્રોફેશનલ મીસકન્ડકટ, ફોજદારી કાર્યવાહી, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની સમજૂતી, ફરિયાદ, ઉલટતપાસ, ડોમેસ્ટીક વાયોલન્સ એકટની સમજૂતી, દિવાની કાર્યવાહી, મહેસૂલી કાયદો, ગુજરાત કોર્ટ ફી અધિનિયમ હેઠળનું કોષ્ટક, ભારતના બંધારણની સમજૂતી, મહત્વપૂર્ણ ચુકાદાઓ વિવિધ કાયદા હેઠળ, અમુક પ્રકારના ડ્રાફ્ટીંગના નમૂના, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ(અમેન્ડમેન્ટ) બીલ-૨૦૧૩ સહિતના બહુ ઉપયોગી વિષયો, મુદ્દાઓ, જાણકારી, કાયદાકીય જોગવાઇઓ સહિતની ઝીણામાં ઝીણી માહિતી પુસ્તકમાં આવરી લીધી છે. જેના કારણે કોઇપણ જુનીયર વકીલ આ એકમાત્ર પુસ્તક હાથમાં રાખીને પોતાના વકીલાતના ક્ષેત્રમાં નિર્ભિકપણે આગળ વધી શકે છે. ધ હાઉસ ઓફ લો દ્વારા પ્રસિધ્ધ હેન્ડબુક ફોર એડવોકેટ્સ અમદાવાદ શહેર સહિત રાજયભરની નીચલી કોર્ટોમાં ખાસ કરીને જુનીયર વકીલો અને કાયદા શાખાના વિદ્યાર્થીઓમાં ખૂબ લોકપ્રિય થઇ રહ્યું હોઇ તેની ડિમાન્ડ વધી રહી છે.

(9:08 pm IST)