Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સીએસ ફાઇનલ પરિણામોમાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ

સીએસ એકઝીકયુટીવ-પ્રોફેશનલના પરિણામો જાહેર : શહેરની ધ્વનિ, અમરજીતકૌર અને વિશાલ ઓલ ઇન્ડિયા રેન્કમાં ઝળકયા : સુરતના ૪ વિદ્યાર્થીનો પણ રહેલો ડંકો

અમદાવાદ,તા. ૨૫ : ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ દ્વારા લેવાયેલી સીએસ ફાઇનલની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ અને સુરતના ચાર વિદ્યાર્થીઓએ દેશના ટોપ ૨૫માં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ડિસેમ્બર-૨૦૧૭માં લેવાયેલી સીએસની પરીક્ષામાં સીએસ એકઝીકયુટીવમાં અમદાવાદની ધ્વનિ અનિલભાઇ પ્રજાપતિએ ઓલ ઇન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો છે. જયારે સીએસ પ્રોફેશનલ્સમાં અમદાવાદની અમરજીતકૌર ખંડાલે ઓલ ઇન્ડિયામાં ૧૭મો ક્રમ મેળવ્યો છે અને વિશાલ દેહીયાએ ઓલ ઇન્ડિયામાં ૨૩મો ક્રમ મેળવ્યો છે. સીએ ફાઇનલના પરિણામમાં જો અમદાવાદની વાત કરીએ તો, સીએસ એકઝીકયુટીવનું અમદાવાદ સેન્ટરનું પરિણામ ૩.૯૨ ટકા આવ્યું છે, જયારે સીએસ પ્રોફેશનલ્સનું પરિણામ ૫.૫૨ ટકા આવ્યું છે. ધી ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં સીએ એકઝીકયુટીવ્સ અને સીએ પ્રોફેશનલ્સની પરીક્ષા લેવાતી હોય છે. જેમાં ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો આજે જાહેર કરાયા હતા. આ પરિણામોમાં સીએસ એકઝીકયુટીવમાં અમદાવાદની ધ્વનિ અનિલ પ્રજાપતિ ઓલ ઇન્ડિયા લેવલમાં પાંચમા રેન્ક પર આવી છે, ધ્વનિએ ૭૦૦માંથી ૪૬૧ માર્કસ મેળવ્યા છે અને તેની ટકાવારી ૬૫.૧૬ ટકા છે. જયારે પ્રોફેશનલ્સમાં અમદાવાદની અમરજીતકૌર ખંડાલ ઓલ ઇન્ડિયા લેવલમાં ૧૭માં ક્રમે આવી છે અને તેણીએ ૭૦૦માંથી ૫૨૩ માર્ક્સ મેળવ્યા છે, જેના ટકા ૫૮.૧૧ છે. જયારે અમદાવાદના વિશાલ દેહીયાએ ૨૩મો ક્રમ મેળવી ૭૦૦માંથી ૫૧૧ માર્કસ મેળવ્યા છે અને તેનું પરિણામ ૫૬.૭૮ ટકા આવ્યું છે. આમ, અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ સીએસના પરિણામમાં ટોપ ૨૫માં સ્થાન પામી રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડયો છે. આ વર્ષે સીએસ એકઝીકયુટીવનું અમદાવાદ સેન્ટરનું પરિણામ ૩.૯૨ ટકા આવ્યું છે, જયારે સીએસ પ્રોફેશનલ્સનું પરિણામ ૫.૫૨ ટકા આવ્યું છે. જે ગત વર્ષે એકઝીકયુટીવ અને પ્રોફેશનલ્સનું અનુક્રમે ૫.૦૮ અને ૧.૫૩ ટકા હતું. એટલે કે, ગત વર્ષ કરતાં સીએસ એકઝીકયુટીવનું પરિણામ આ વખતે ઘટયુ છે, તો, પ્રોફેશનલના પરિણામમાં આ વર્ષે વધારો નોંધાયો છે. તો, અમદાવાદની જેમ સુરતના પણ ચાર વિદ્યાર્થીઓએ ટોપ ૨૫માં સ્થાન પામી ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે. જેમાં સુરતની હનિ ગજ્જરે ઓલ ઇન્ડિયામાં ત્રીજો રેન્ક મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે. આ જ પ્રકારે સ્વીટી હરીશકુમાર જૈનનો ઓલ ઇન્ડિયામાં ૧૯મો રેન્ક, સાહિલ ગીરીશ મક્કરનો ૨૦મો રેન્ક અને હિરલ જયોતિપ્રકાશ ગુપ્તાનો ૨૨મો રેન્ક આવ્યો છે. સુરત ચેપ્ટરના વિદ્યાર્થીઓએ પણ નેશનલ લેવલે ડંકો વગાડયો છે. કંપની સેક્રેટરીઝની એકઝીકયુટીવ અને પ્રોફેશનલ માટેની આગામી પરીક્ષા હવે તા.૧થી ૧૦જૂન,૨૦૧૮ દરમ્યાન લેવામાં આવનાર છે. સીએસના પરિણામોને લઇ આજે અમદાવાદ અને સુરત ચેપ્ટરના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.

(7:34 pm IST)