Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કોન્સ્ટેબલને ઇજા કરવાના મામલે વિદ્યાર્થીને જામીન

કોન્સ્ટેબલ પર કાર ચઢાવી ઇજા પહોંચાડવાનો કેસ : અરજદાર બીએસસી સેકન્ડ યરનો સ્ટુડન્ટ હોવાથી નિયત શરતો સાથે વિદ્યાર્થી દસ હજારના જામીન પર મુકત થયો

અમદાવાદ,તા. ૨૫ : બનાસકાંઠા જિલ્લાના હાડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવી દઇ તેને ઇજા પહોંચાડી ભાગી છૂટવાના ચકચારભર્યા કેસમાં ગાંધીનગરની કોલેજના સેકન્ડ યરના સ્ટુડન્ટ એવા પિયુષકુમાર કૌશિકભાઇ કટારાને આખરે ગુજરાત હાઇકોર્ટે રૂ.૧૦ હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ૨૨ વર્ષના અરજદાર વિદ્યાર્થીને પાસપોર્ટ હોય તો જમા કરાવવા, અદાલતની પરવાનગી વિના ગુજરાતની હદ નહી છોડવા સહિતની શરતો સાથે જામીન પર મુકત કર્યો હતો. ફરિયાદપક્ષના કેસ મુજબ, ફરિયાદ હેડ કોન્સ્ટેબલ હડાદ પોલીસ સ્ટેશમાં ફરજ પર હાજર હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, જીજે-૩૧-એ ૮૭૪૯ નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર અકસ્માત સર્જીને ભાગી રહી છે, તેથી ફરિયાદ આ માહિતીના આધારે તેમના અન્ય પોલીસ જવાનો સાથે બેરીકેડ લગાવી વાહનો ઉભા રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમ્યાન આરોપીએ તેની કાર ફરિયાદી કોન્સ્ટેબલ ચડાવી દઇ તેને ઇજા પહોંચાડી ભાગી છૂટયો હતો. બાદમાં આ બનાવ અંગે અરજદાર વિદ્યાર્થી પિયુષ કટારા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. અરજદાર વિદ્યાર્થી તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર ગાંધીનગર કોલેજમાં બીએસસીનો સેકન્ડ યરનો સ્ટુડન્ટ છે. અરજદારે કોઇ અકસ્માત સર્જયો નથી પરંતુ એ વખતે પોલીસે ગેરકાયદે રીતે અરજદાર પાસેથી લાંચ લેવાના ઇરાદે તે આબુ-અંબાજીથી તેના મિત્રો સાથે પરત આવી રહ્યો હતો ત્યારે તેને આંતર્યો હતો. જેથી અરજદાર વિદ્યાર્થીએ લાંચ નહી આપી ગાડી ભગાવી મૂકી હતી, તેમાં કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી. અરજદારે જાણીબુઝીને તેને ઇજા પહોંચાડી નથી કે અકસ્માત સર્જયો નથી. અરજદાર બીએસસીનો સ્ટુડન્ટ છે અને જો તેને જામીન ના અપાય તો તેની આગળની શૈક્ષણિક કારકિર્દી બગડી શકે છે. અરજદાર વિદ્યાર્થીનો પાછલો કોઇ ગુનાહિત ઇતિહાસ પણ નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે તેને જામીન પર મુકત કરવો જોઇએ. સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું કે, અરજદાર વિદ્યાર્થીની કારમાંથી દારૂ કે કોઇ વાંધાજનક ચીજવસ્તુ પણ મળી આવી નથી, તેથી તેનો કોઇ બદરાઇદો ન હતો, તે સ્પષ્ટ થાય છે અને તેની વિરૂધ્ધ પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી છે. અરજદાર એક વિદ્યાર્થી છે તે હકીકતને ગંભીરતાથી લઇ હાઇકોર્ટે તેને જામીન પર મુકત કરવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર વિદ્યાર્થીના જામીન મંજૂર રાખ્યા હતા.

(7:34 pm IST)