Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ડીસામાં પુત્ર લાલચંદની 25 દિવસથી કોઈ ભાળ નહીં મળતા માતા સોનિયાબેનના આંખમાં આસું સુકાતા નથી

સંતાનો નાના હતા ત્યારે પતિનું અવસાન થયેલ :પુત્ર વિયોગમાં બેબાકળા બનેલા માતા પાસે અજમેર સાસરિયેથી પુત્રી કોમલ પણ આવી

ડીસા : ડીસા શહેરમાં ગુમ થયેલા પુત્રની યાદમાં એક માં બેબાકળી બની ચુકી છે અને ચોધાર આંસુ વહાવી રહી છે.હાથમાં પુત્રની છબી અને આંખોમાં આંસુ ધરાવતી આ ત્રણ સંતાનોની માતા સોનીયાબેનના પતિનું અવસાન આઠ વર્ષ પહેલા થયું હતું. સોનિયાબેનના પતિ રાજેશકુમાર ઠક્કરનું અવસાન થયુ ત્યારે તેમના સંતાનો નાના હતા. પતિના અવસાન બાદ સોનીયાબેને તેમના ત્રણ સંતાનોને પાળી પોષીને મોટા કર્યા. જેમાં સૌથી મોટા પુત્રનું નામ હતું અમિત છે. જ્યારે તેનાથી નાનાનું નામ લાલચંદ અને સૌથી નાની દીકરીનું નામ કોમલ છે. સંતાનો મોટા થયા બાદ પતિના મોતનું ગમ ભુલેલા સોનિયાબેને તેમની પુત્રીના પણ લગ્ન કરી દીધા હતા. પરંતુ કુદરત જાણે સોનિયાબેનથી હજુ નારાજ હોય તેમ સોનિયાબેનને વધુ એક ઘા આપ્યો. તેમનો પુત્ર લાલચંદ અચાનક ગાયબ થઈ ગયો.

    લાલચંદ ગાયબ થતા સોનિયાબેન તેમનો પુત્ર અમિત અને પુત્રી કોમલે લાલચંદની ખુબ જ શોધખોળ કરી પરંતુ લાલચંદનો કોઈ જ પત્તો લાગ્યો નથી. લાલચંદને ગુમ થયાને આજે રપ દિવસ થવા આવ્યો છતાં તેની કોઈ જ ભાળ ન મળતા અત્યારે આ પરીવારની હાલત એકદમ કફોડી બની ચુકી છે. અને લાલચંદની માતા સોનિયાબેન અત્યારે માત્ર લાલચંદની તસ્વીર જોઈને આંસુ સારવા સિવાય કશું જ નથી કરતી. લાલચંદના ગુમ થયા બાદ તેના પરીવારની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ છે. લાલચંદના ગુમ થયાના સમાચાર સાંભળીને અજમેર સાસરે ગયેલી તેની બહેન કોમલ પણ પરત ડીસા આવી ગઈ છે. અને તેની બેબાકળી બનેલી માતાને સાંભળી રહી છે.

   કોમલે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન જ્યારે જ્યારે ઘરની બહાર બાઈકનો અવાજ સાંભળે છે ત્યારે તેની મમ્મી લાલચંદ આવ્યો હોવાનું સમજીને ઘરની બહાર જોવા જાય છે. પરંતુ નથી તો લાલચંદ આવતો કે નથી મમ્મીની આંખોમાં આંસુ સુકાતા. આ મામલે પોલીસને જાણ કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

(6:06 pm IST)