Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સુરતના મોટા વરાણમાં દારૂ સપ્‍લાયરોની બાઝી ઉધી પડતી અમરોલી પોલીસે ર૧.૬૦ લાખનો દારૂ કબ્‍જે કર્યો : પાંચ બુટલેગરોને પોલીલસ હિરાસતમાં લેવાયા

સુરત :  સુરતના મોટા વરાણમાં દારૂના મોટા ગજાના સપ્‍લાયરનો પોલીસે ખેલ ઉંધો પાડી ટ્રમાંથી ઉતારે તે પહેલા જ દારૂ સાથે પાંચ શખ્‍સોને ઝડપી લીધા છે.

મોટાવરાછામાં મધરાત્રે શેરટ્રેડિંગની ઓફિસમાં ટ્રકમાંથી લાખોનો દારૃ ખાલી થતો હતો ત્યારે જ અમરોલી પોલીસે ત્રાટકી સપાટો બોલાવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૃા.૨૧.૬૦ લાખનો ઇંગ્લિશ દારૃ કબજે કરવા સાથે બે મુખ્ય બુટલેગરો સહિત પાંચની ધરપકડ કરી હતી. શેરબજારની આડમાં દારૃનો વેપલો કરવા એક દિવસ પહેલાં જ ઓફિસ ભાડે લેનાર બુટલેગરોની આશા પર પોલીસે પાણી ફેરવી દીધું હતું. પોલીસે દારૃ ઉપરાંત ટ્રક, કાર, એક્ટિવા, બાઇક તથા મોબાઇલ મળી કુલ રૃા.૪૯.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અમરોલી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ શુક્રવારે મધરાત્રે પીઆઇ એમ.બી.ખિલેરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કર્મીઓ હિમાંશુ બાવકુભાઇ અને સુરજીતસિંહને બાતમી મળી હતી કે મોટાવરાછામાં લજામણી ચોક ખાતે રિવેરા હાઇટ્સની બાજુમાં નવા બંધાયેલા એપલ સ્કવેરની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં મોટાપાયે ટ્રકમાંથી દારૃ ખાલી થઇ રહ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડા પાડયા હતા. જ્યાં એક ટ્રકમાંથી દુકાનમાં દારૃ ખાલી થતો હતો. પોલીસે રેઇડ કરતા નાસભાગ મચી ગઇ હતી.

અમરોલી પોલીસને ટ્રક અને દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૧૮૦ એમએલની ૨૧૬૦૦ નંગ ઇંગ્લિશ દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે રૃા.૨૧.૬૦ લાખનો ઇંગ્લિશ દારૃ ઉપરાંત નજીકમાં પડેલી ટ્રક, સિયાઝ કાર, બે એક્ટિવા, બાઇક તથા ૬ મોબાઇલ મળી કુલ્લે રૃા.૪૯.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૃ મંગાવનારા અશોક ધીરૃભાઇ ઠુમ્મર (ઉ.વ.૩૯, રહે- રૃક્ષ્‍મણી સોસાયટી, બાપા સીતારામ ચોક, લલિતા ચોકડી, કતારગામ- મુળ જૂના વાઘણિયા, કુકાવાવ, અમરેલી), શૈલેષ ચંદુભાઇ કાકડિયા (ઉ.વ.૩૨, રહે- સી.એસ.પાર્ક, ગઢપુર રોડ, કડોદરા- મુળ હરમડિયા, કોડીનાર, સોમનાથ) અને દારૃનો જથ્થો ખાલી કરવામાં મદદ કરનારા તેમના મિત્રો રાજેન્દ્રસિંગ વિજયસિંગ સોલંકી (ઉ.વ.૨૫, રહે- હરિનંદન સોસાયટી, હીરાબાગ, વરાછા- મુળ થોબાવાડા, જાળોલ, ઉદેપુર), પ્રશાંત સુરેશ માળવી (ઉ.વ.૨૭, રહે- યોગીકૃપા એપાર્ટમેન્ટ, મગનનગર-૨, કતારગામ- મૂળ વિસાવદર, જૂનાગઢ) અને સુરેશસિંહ દીનુસિંહ ઝાલા (ઉ.વ.૨૪, રહે- રજપુત ફળિયું, અમરોલી- મૂળ બડોદરા, તાલોદ, સાબરકાંઠા)ની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે અશોક અને શૈલેષે શેરટ્રેડિંગની ઓફિસની આડમાં દારૃનો વેપલો કરવાનો પ્લાન ઘડયો હતો. જે માટે તેઓએ મોટાવરાછામાં એપલ સ્કેવરમાં એક દિવસ પહેલાં જ ૧૦ હજાર રૃપિયાના ભાડે ઓફિસ રાખી હતી, અહીંથી તેઓનો શહેરના બુટલેગરોના દારૃ સપ્લાય કરવાનો મનસૂબો હતો. જોકે, મહારાષ્ટ્રથી દારૃ ભરેલી ટ્રક મંગાવતા જ પોલીસની ઝપટે ચઢી ગયા હતા. ટ્રક ડ્રાઇવર ભાગી છૂટયો હતો. અમરોલી પોલીસે ટ્રક ડ્રાઇવર તથા દારૃના સપ્લાયર નિર્ભય ઉર્ફે કાકુ ઠક્કર (રહે- મીરારોડ, મુંબઇ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

લાખોના દારૃના કેસમાં અશોક અને શૈલેષ સાથે તેના ૩ મિત્રો પણ ઝપટે ચઢી ગયા છે. મળતી વિગતો પ્રમાણે આ બંને કલાકારોએ મિત્રોને ટ્રકમાંથી ટાઇલ્સના બોક્સ ખાલી કરવા માટે બોલાવ્યા હતા, જે અંગેની મજૂરી પણ આપવાની વાત કરી હતી. જેથી મિત્રો મજૂરીની લાલચ કહો કે મદદ માટે ટ્રકમાંથી ફટાફટ બોક્સ દુકાનમાં મૂકી રહ્યા હતા ત્યારે પોલીસ ત્રાટકી હતી અને બાદમાં પેટીમાં દારૃ હોવાની જાણ થતા તેઓને પરસેવો છૂટી ગયો હતો.

(7:11 pm IST)