Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

વડોદરા નજીક દેણાં ગામમાં ક્રિકેટ રમવા જેવી બાબતે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

વડોદરા:નજીક દેણાં ગામ ફરી વિવાદમાં આવ્યું છે. આજે સાંજે ક્રિકેટ રમવાના ઝઘડામાં ગામમાં વાતાવરણ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો કાફલો ગામમાં બંદોબસ્ત માટે મૂકવો પડયો છે. મોડી રાત્રિ સુધી ગામમાં વાતાવરણ તંગ રહ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે દેણાં ગામની સ્કૂલની સામેના એક મેદાનમાં કેટલાંક યુવાનો ક્રિકેટ રમતા હતા અને ક્રિકેટનો બોલ મેદાનની સામે રહેણાંક વિસ્તારમાં ગયો હતો. આ બોલ લેવા માટે યુવાનો ત્યાં ગયા ત્યારે ઝઘડો થયો હતો. આ મુદ્દે ગામમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું. દરમિયાન આ અંગેની જાણ પોલીસને થતા તાલુકા પોલીસનો સ્ટાફ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દેણાં ગામમાં દોડી ગયા હતાં.

ગામમાં ઉગ્ર વાતાવરણ વચ્ચે પોલીસ ત્યાં પહોંચતા હોબાળો પણ થયો હતો. એક યુવાનને પોલીસે લાફા મારવાના મુદ્દે ગ્રામજનોના એક જૂથે પોલીસે લાફો કેમ માર્યો તે અંગે વિવાદ વધુ વકર્યો હતો. બીજી બાજુ ગામમાં સ્થિતિ વધુ વણસે નહી તે માટે જિલ્લા પોલીસની વધુ કુમક ગામમાં બોલાવી દેવાઇ  હતી. આ લખાય છે ત્યાં સુધી રાત્રે ગામમાં તંગ પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. જો કે મોડી રાત્રિ સુધી આ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ નથી. બપોરે એક ઘરમાં પથ્થર પડયા હોવાના સંદેશાના પગલે પોલીસ તપાસ પણ કરવા ગઇ હતી ત્યારે જ ક્રિકેટના ઝઘડાએ વાતાવરણ ડહોળાયું હતું.

 

(5:52 pm IST)