Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોરજ ગામે તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનાર યુવાનના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

અમદાવાદ:જિલ્લાના સાણંદ તાલુકાના ખોરજ ગામમાં રહેતા ૨૯ વર્ષીય ઈશ્વર ઉર્ફે ઈશાન કનુજી ઠાકોરને સુરતના ચોકબજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતી 15 વર્ષ 3 માસ અને 13 દિવસની વય ધરાવતી તરૃણી સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી સંપર્ક થયો હતો.ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ ભોગ બનનાર તરૃણીને આરોપી યુવકે લગ્નની લાલચ આપીને અમદાવાદ લાલદરવાજા,મોરબી ખાતે લઈ જઈને તેની ઈચ્છા વિરુધ્ધ એકથી વધુ વાર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. પોકસો એક્ટના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપીએ ચાર્જશીટ બાદ વધુ એકવાર જામીન માંગ્યા હતા. તરુણી અને આરોપી વચ્ચે પ્રેમસબંધ હતા અને મરજીથી સાથે આવી હોવાની રજૂઆત થઇ હતી. આરોપીએ પોતે નાની વયના હોઈ વધુ સમય જેલમાં રાખવામાં  આવે તો માનસિક સ્થિતિ પર વિપરિત અસર થાય તેમ હોઈ પ્રથમદર્શનીય કેસના અભાવે જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને તેની સાથે એકથી વધુવાર દુષ્કર્મ આચર્યું છે. જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તથા સ્થાનિક રહીશ ન હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે. ચાર્જશીટ બાદ કેસના ગુણદોષ કે સંજોગોમાં કોઈ મહત્વનો ફેરફાર આવ્યો ન હોઈ કોર્ટે આરોપીની જામીનની માંગને નકારી કાઢી હતી.

(5:50 pm IST)