Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સુરત:ડભોલીમાં 4 લાખના ચેક રિટર્નના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમની અપીલ સેશન્સે નકારી કાઢી

સુરત:શહેરમાં 4 લાખના ચેક રીટર્ન કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમની કાયદેસરતાને પડકારતી  અપીલને નકારી કાઢી સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો સજાનો હુકમ હસ્તક્ષેપ પાત્ર ન હોવાનું જણાવી કાયમ રાખવા નિર્દેશ આપ્યો છે.

ડભોલી ગામમાં કૃષ્ણ રો હાઉસમાં રહેતા ફરિયાદી પ્રવિણ જીવરાજ સિધ્ધપુરાએ ધંધાકીય સંબંધોના નાતે જે.જે.નાણાવટી નોવેલ્ટી તથા બુટીકના આરોપી સંચાલક જિતેન્દ્ર  ભીખાભાઈ પાનવાલા (રે.તીર્થ બંગ્લોઝ,પીપલોદ)ને ધંધાકીય વિસ્તરણ માટે નાણાંકીય જરૃર પડતાં રૃ. 4 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જે નિયત સમયમાં ચુકવી આપવાની બાંહેધરી આપીને આરોપીએ ફરિયાદીને લેણી રકમના ચાર ચેક લખી આપ્યા હતા.જે ચેક ફરિયાદીએ બેંકમાં વટાવતા આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા.જેથી કોર્ટમાં ફરિયાદ થતા સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ તથા ફરિયાદીને ચેકની બમણી રકમનો દંડ રૃ.8 લાખ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને દોષી ઠરેલા નોવેલ્ટી-બુટીકના સંચાલકે તેની કાયદેસરતાને સેશન્સ કોર્ટમાં પડકારી સજાનો હુકમ રદ કરવા માંગ કરી હતી.જો કે સેશન્સ કોર્ટે બંને પક્ષોની સુનાવણી બાદ નીચલી કોર્ટનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખવા નિર્દેશ આપી દોષી ઠરેલા એપેલેટની અપીલને રદ કરી સજાનો અમલ કરવા નિર્દેશ આપ્યો હતો.

 

(5:49 pm IST)