Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પંચમહાલના ઘોઘંબાના કંકોડાકોઇ ગામમાં સોલંકી પરિવારમાં લગ્નની ખુશાલી ગમમાં ફેરવાઇઃ કન્‍યાની ડોલી ઉઠે તે પહેલા ચક્કર આવતા ઢળી પડતા અર્થી ઉઠતા અરેરાટી

લો બીપીના કારણે મૃત્‍યુ થયાનું ખુલ્‍યુ

પંચમહાલ: પંચમહાલના ઘોઘંબા તાલુકામાં હૃદયને હચમચાવી દેનારી ગોઝારી ઘટના બની છે. કોડભરી કન્યાની ડોલી ઉઠવાના થોડા જ કલાકો પહેલા તેની અર્થી ઉઠી હતી. દુલ્હનને સાસરિયાની જગ્યાએ સ્મશાને સિધાવવી પડી હતી. સપ્તપદીના ફેરા પહેલા નવોઢાનુ મોત નિપજ્યુ હતું, જેથી બંને પરિવારો શોકમગ્ન બન્યા હતા. ખુશીનો અવસર ઘડીમાં દુખની ઘડીમાં પલોટાયો હતો.

ઘોઘંબાના કંકોડાકોઈ ગામમાં સોલંકી પરિવારની દીકરી વંદનાબા કુંવરબાના લગ્ન લેવાયા હતા. વંદનાબા કુંવરબા અને દેવેન્દ્રસિંહજીની લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ સપ્તપદીના ફેરા ફરવાના ગણતરીના કલાકો પહેલા દુઃખદ અવસાન થતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો.

વંદનાબા કુંવરબાના લગ્ન માટે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને રાસ ગરબાની વિધિ સંપન્ન થઈ હતી. વંદનાબા પણ પરિવારના સદસ્યો સાથે હોંશે હોંશે રાસ ગરબા ઘૂમી હતી. 23 જાન્યુઆરીએ બપોરે ત્રણ કલાકે હસ્તમેળાપ વિધિ હોવાથી પરિવાર મહેમાનોના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યા અચાનક વંદનાબાને ચક્કર આવતા તે ઢળી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી જ્યાં તબીબોએ લો બીપીને લઈ વંદનાબાને મૃત જાહેર કરી હતી.

જે ઘર આંગણેથી દીકરીની ડોલી ઉઠવાની હતી એ ઘર આંગણેથી તેની અર્થી ઉઠી હતી. જ્યાં શરણાઈના સુર ગુંજી રહ્યા હતા, ત્યાં માતમ છવાયો હતો. બનાવના પગલે સાસરી પક્ષ પણ દુખી થઈ ગયો હતો. વંદનાબા કુંવરબાના સ્વજનો અને ગામ આ બનાવથી હીબકે ચડ્યું હતું.

(5:27 pm IST)