Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

એક એવો ચેઇન સ્નેચર, જે ચોરી કરવા ફ્લાઇટમાં જતોઃ ગુજરાત, તેલંગણા, કર્ણાટકમાં કરી ચોરીની કબૂલાત

આરોપી આ પહેલાં ૫૦ થી વધુ ગુનાઓમાં જેલમાં બંધ હતોઃ જેલમાંથી છૂટયા બાદ તેણે ફરી ચેઇન સ્નેચિંગનું કામ શરૂ કર્યુ હતુ

અમદાવાદ, તા.૨૫: આંતર રાજય ચેઈનસ્નેચિંગ આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની સાથે બૈંગ્લુરુ અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરવા જતો હતો. આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં ૮ ચેઈન સ્નેચિંગ કરતા તેની ઉપર ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીની પુછપરછમાં માલૂમ થયુ કે તેણે આવી ૧૮ ચોરીઓ કરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલ આરોપીનુ નામ ઉમેશ ખટીક છે. જે મુળ નારણપુરાનો રહેવાસી છે. પરંતુ તેના ગુનાનો આતંક ન માત્ર અમદાવાદ પરંતુ હૈદરાબાદ અને બૈંગ્લુરુમાં ફેલાયેલો છે.

આરોપી ચેઈન સ્નેચિંગનાં ગુનાને અંજામ આપી અન્ય રાજયમાં ફરાર થઈ જાય છે. અને ચેઈન સ્નેચિંગ કરવા માટે તે વાહન પણ ચોરીનું વાપરતો હોવાનું સામે આવ્યુ છે. જોકે તેની ધરપકડ કરી પુછપરછ કરતા આવાં કુલ ૧૮ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

મહત્વનુ છે કે ઓગસ્ટ મહિનામાં જેલમાથી છુટ્યા બાદ આરોપીએ ૪ મહિનામાં જ અમદાવાદમાં ૬ ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો પરંતુ મુદ્દામાલ વેચે તે પહેલા સોનાના દાગીના વાડજ પોલીસે કબ્જે કરી લીધા હતા.

બીજી તરફ તે આ ચોરી બાદ ફ્લાઈટમાં હૈદરાબાદ ગયો અને ત્યાં એક જ દિવસમાં ૮ ચેઈન સ્નેચિંગ કરી બેંગ્લુરુ ભાગી ગયો હતો. જયાં તેણે ૪ ગુનાને અંજામ આપ્યો હતો જે બાદ તે અમદાવાદ પરત આવી ગયો હતો. પરંતુ તે સમય દરમિયાન આરોપીની એકિટવા અને થેલો શાહિબાગ પોલીસે કબ્જે કર્યા હતા. જેથી તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યું છે.

આરોપી ઉમેશ ખટીક અગાઉ ૫૦ જેટલા ચેઈન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને આવ્યો હતો. અને માત્ર ૫ મહિનામાં ૧૮ ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે. પોલીસ તપસામાં સામે આવ્યુ કે હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ છે. જેની પોલીસ માહિતી મેળવી રહી છે. સાથે જ સોનાની ચેન આરોપી કયાં વેચે છે. તે સોનીની પણ તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)