Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કોમર્શિયલ કોમ્પલેક્ષમાં શાળા-હોસ્પિટલ બની નહિ શકે

નવા ફાયર સેફટી નિયમોમાં ૧૫ મીટરથી વધુ ઉંચાઇની તમામ બિલ્ડીંગોમા બે સીડી- માર્જિન ફરજીયાત

રાજય સરકારના નવા સૂચિત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન ૨૦૨૧ની સામે વાંધાઓની વણઝારઃ ૨,૦૦૦ વાંધા આવ્યા : નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે GDCR સાથેની વિસંગતતા દૂર કરનારા નવા ફાયર નિયમો બનાવાયા. : હાલના GDCRની મોટાભાગની જોગવાઈઓને અસર કરનારા સુધારા મૂકાયા. : વાંધા મગાવવાની મુદત પૂર્ણ, હાઇપાવર કમિટી વાંધાઓ ઉપર વિચાર કરશે પછી નવા નિયમો અમલી બની શકે. : ફાયર સેફ્ટીના નવા નિયમો રિયલ એસ્ટેટમાં મકાનો મોંઘા કરે તેવો ભય પણ સેફ્ટી સાથે કોઈ સમાધાન નહીં.

અમદાવાદ, તા.૨૫: રાજય સરકારે અમદાવાદ સહિત રાજયભરમાં કડક ફાયર સેફટીના અમલ માટે બનાવેલા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન ૨૦૨૧ના ડ્રાફ્ટની સામે વાંધાઓ મંગાવ્યા હતા. ૯ જાન્યુઆરી સુધીની મુદતમાં સૂચિત નવા ફાયર સેફ્ટી નિયમોની સામે ૨,૦૦૦ વાંધા આવ્યા છે. નવા ફાયર સેફ્ટી નિયમોમાં ૧૫ મીટરથી વધુ ઊંચાઈની તમામ ઈમારતમાં બે સીડી ફરજિયાત કરાઈ છે. બીલ્ડીંગની ચોતરફ વાહન ફરી શકે તેવું માર્જિન રાખવું ફરજિયાત કરી દેવાયું છે સાથે નવા ફાયર નિયમોથી કોર્મશિયલ કોમ્પ્લેકસના એક કે તેથી વધુ માળમાં સ્કૂલ કે હોસ્પિટલ શરૂ નહીં થઈ શકે તેવી કડક જોગવાઈ કરાઈ છે. નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે GDCR સાથેની વિસંગતતા દૂર થાય તે મુજબ નવા ફાયર નિયમો બનાવાયા છે, હાલમાં અમલી GDCRની મોટાભાગની જોગવાઈઓને અસર કરનારા સુધારા મુકાયા છે. નવા ફાયર સેફ્ટીના નિયમોમાં વાંધા મંગાવવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જેની સામે આવેલા તમામ વાંધા ઉપર હાઇપાવર કમિટી વિચાર કરશે પછી નવા નિયમો અમલી બનશે. ઉલ્લેખનીય છે કે, નવા ફાયર સેફ્ટીના નવા નિયમો રિયલ એસ્ટેટમાં મકાનોમોં વાંધા કરે તેવો ભય ઊભો થયો છે પણ રાજય સરકાર ફાયર સેફ્ટી સાથે કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી.

છેલ્લા ત્રણ ચાર વર્ષમાં અમદાવાદ શહેર સહિત રાજયના અન્ય શહેરોમાં આગની ગંભીર ઘટનાઓ સામે આવી હતી. અનેક નિર્દોષ લોકોએજીવ ગુમાવવાનો વારોઆવ્યો હતો પછી ફાયર સેફ્ટી મુદે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા અમદાવાદ શહેરસહિત રાજયભરમાં ફાયર સેફ્ટી સુવિધા મુદ્દે નિયમોને વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે. રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત ૧૦ ડિસેમ્બરના રોજ જાહેર નોટિસ પ્રસિદ્ઘ કરીને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન ૨૦૨૧ના ડ્રાફ્ટ સામે વાંધા મંગાવવામાં આવ્યા હતા. આ પહેલા ત્રણ વાર નોટિસ પ્રસિદ્ઘ કરવામાં આવી હતી.

ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન ૨૦૨૧ના ડ્રાફ્ટમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. તમામ બિલ્ડિંગની કેટેગરી પ્રમાણે ફાયર ઈકવીપમેન્ટ લગાવવાની સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે. દરેક બિલ્ડિંગના બાંધકામમાં બે  સિડી મુકવાની જોગવાઈ કરવામાં આવી છે. જયારે દરેક બિલ્ડિંગમાં માર્જિનની જગ્યામાં કોઈપણ પ્રકારની બાંધકામ ઉપર પ્રતિબંધ મુકાયો છે. પહેલા માર્જિનની જગ્યામાં રેમ્પ, ઇલેકિટ્રક સબ સ્ટેશન કે કેબીન બનાવી દેવાતા,  હવે સ્પષ્ટ જોગવાઈ કરવામાંઆવી છે કે, માર્જિનની જગ્યામાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાશે નહીં. બિલ્ડિંગની માર્જિનની જગ્યામાં ફાયર વાહન ફરી શકે તેવું મોટરેબલ રાખવું ફરજીયાત કરાયું છે. સ્પેશિયલ કેટેગરીના બિલિંગમાં બે સિડી,  પ્રોપર વેન્ટિલેશન અને ફાયર સેફ્ટીને સુનિશ્ચિત કરવાની રહેશે.

ગાહેડ દ્વારા પણ ફાયર સેફ્ટીના નવા નિયમો સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ૧. રાજય સરકારે ૨૦૧૭ થી CGDCR અમલી બનાવેલા છે તે મુજબ એકસીટ ડિસ્ટનન્સ ક્રાઇટેરિયા પ્રમાણે નંબર ઓફ સ્ટેરકેસ નક્કી કરવામાં આવી છે. હવે તમામ સંજોગોમાં ૧૫ મીટરથી વધુ ઉંચાઈની તમામ બિલ્ડિંગમાં બે સ્ટેરકેસ સૂચિત કરાઈ છે. GDCR મુજબ સ્ટેરકેસની જોગવાઈ રાખવી જોઈએ. ૨. NBC Part ૪ ને બદલે કોમન GDCR પ્રમાણે, માર્જિન, સ્ટેયરકેસ, રેમ્પ, બિલ્ડિંગ યુઝ, બિલ્ડિંગ હાઇટ્સ, પેસેજની જોગવાઈ રાખવા રજૂઆત કરી છે. ૩. સેલ્ફ સર્ટિફિકેશનની જોગવાઈ રદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. ૪. ૩૦ મીટરની ઊંચાઈના હોટેલ અને ગેસ્ટ હાઉસ માટેના બિલ્ડિંગના ફ્રન્ટ રોડ સાઈડ માર્જિન ૭.૫ મીટર માંગેલ છે જે કોમન GDCR થી વિપરીત છે. GDCR પ્રમાણે રોડની પહોળાઈ પ્રમાણે રોડ માર્જિન પ્રમાણે ફ્રન્ટ માર્જિન રાખવામાં આવે તેવી રજૂઆત કરી છે.

નવી બિલ્ડિંગની દીવાલમાં કાચનો ઉપયોગ મર્યાદિત કરવાની જોગવાઈ

અમદાવાદ સહિત રાજયભરમાં બિલ્ડિંગ બનાવવામાં કાચનો ઉપયોગ વધ્યો છે. ખાસ કરીને બિલ્ડિંગ ફ્રન્ટ સાઈડમાં આરસીસી બાંધકામ કરવાને બદલે કાચનો મહત્ત્।મ ઉપયોગ કરીને બાંધકામ કોસ્ટ ઘટાડવામાં આવે છે. જેના કારણે બિલ્ડિંગમાં જોખમ વધી જાય છે. જેથી નવા ફાયર નિયમોમાં બિલ્ડિંગની દીવાલ કે ફ્રન્ટ સાઈડમાં કાચનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવ્યો છે. જેમાં બિલ્ડિંગની દિવાલમાં ચોક્કસ મર્યાદાથી વધારે કાચની દીવાલ ઊભી કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરાયું છે. બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં કાચનો ઉપયોગ દૂર્દ્યટના વખતે જોખમી સાબિત થઈ શકે છે તેથી તેની ઉપર અંકુશ મૂકવાની જોગવાઈ કરાઈ છે. રાજય સરકાર દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન ૨૦૨૧ ડ્રાફ્ટમાં સૂચવેલા સુધારા અમલી બનશે તો કોમન GDCRમાં મોટા પ્રમાણમાં સુધારા કરવા પડશે.

(1:27 pm IST)