Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

એન્ટ્રી પોઈન્ટ પર ટાવરો ઉભા કરી દેવાતા છેલ્લાં 10 વર્ષમાં હરામીનાળાથી કોઈ ઘૂસણખોરી થઈ નથી: IG એસ.જી. મલિક

ભારત- પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી કરતા 29 જણાને પકડ્યા : 3 ઝડપાયેલા પાકિસ્તાનીઓને પાકિસ્તાનને હેન્ડ ઓવર કરી દીધા

અમદાવાદ :બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF ), ગુજરાતના આઈ.જી. ( IG ) એસ.જી. મલિકે જણાવ્યું છે કે, પહેલાં હરામીનાળાથી ઘૂસણખોરી થતી હતી. તે અટકાવવા માટે એન્ટ્રી પોઇન્ટ 1164, 1166 અને 1169 પર ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. પરિણામે છેલ્લાં દસ વર્ષમાં હરામીનાળાથી કોઈ ઘૂસણખોરી થઈ નથી.

તેમણે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ( BSF ) ભારત- પાકિસ્તાન અને ભારત- બાંગ્લાદેશની 6500 કિલોમીટર સરહદની સુરક્ષા કરે છે. તે જ રીતે રાજસ્થાનના બાડમેર, ગુજરાત સરહદ અને કોસ્ટલ એરિયા મળીને ગુજરાત ફ્રન્ટીયર 826 કિલોમીટર સરહદની પણ રખેવાળી કરે છે.

બીએસ.એફ., ગુજરાત ફ્રન્ટીયરના આઈ. જી. ( IG ) જી.એસ. મલિકે બીએસએફ ગુજરાત ફ્રન્ટીયરે મેળવેલી સફળતાની વિગતો જણાવતાં ઉમેર્યું હતું કે, અમે 29 જણાને ઘૂસણખોરી કરતા પકડ્યા હતા.તેમાં 3 પાકિસ્તાની, બે બાંગ્લાદેશીઓ અને બાકીના 24 ભારતીયોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા 3 પાકિસ્તાનીઓને પાકિસ્તાનના હવાલે કર્યા હતા. જ્યારે ભારતીયોમાં બે પંજાબના સ્મગલરને ડ્રગ્સની ડિલેવરી લેવા જતા જ ઝડપી લેવામાં આવ્યા હતા. બીજા ભારતની ફ્રેન્સીગ ઓળગવા જતાં પકડાયા હતા. તેમને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બીએસએફ તથા અન્ય એજન્સીઓએ જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ચરસના 1428 પેકેટ જપ્ત કર્યા હતા.

કોવિડ મેનેજમેન્ટ અંગે બીએસ.એફ., ગુજરાત ફ્રન્ટીયરના આઈ. જી. જી.એસ. મલિકે જણાવ્યું કે, બીએસએફના 100 ટકા સ્ટાફે કોરોનાના બન્ને ડોઝ લઈ લીધા છે. 28 ટકા લોકોએ સરકાર દ્વારા શરૂ કરાયેલ ત્રીજો ડોઝ પણ લઈ લીધો છે. ટૂંક સમયમાં બધા ત્રીજો ડોઝ પણ લઈ લેશે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દીને દેશભરમાં એલર્ટ હોવાથી બીએસએફની રિઝર્વ ફોર્સ સહિતની તમામ કંપનીઓને સરહદ પર તૈનાત કરી દેવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે દરેક ક્ષેત્રની જેમ મહિલાઓ બીએસએફની દરેક કેડરમાં પણ છે. હાલ ગુજરાત ફ્રન્ટીયરમાં 200 મહિલાઓ છે. તેમના માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવી રહ્યું છે.

(8:36 pm IST)