Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મતદાન પહેલા જ કોગ્રેસની હાલત કફોડીઃ ભરૂચ જીલ્લાના ઝાડેશ્વર કોગ્રેસના આગેવાન કૌશિક પટેલ પોતાના ૩૦૦ કાર્યકરો-સમર્થકો સાથે ભાજપમાં જાડાયા

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાન પહેલા જ કોંગ્રેસની હાલત કફોડી બનતી જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પંજાનો સાથ છોડીને કેસરિયો ધારણ કરી રહ્યાં છે.

અગાઉ ભરૂચ કોંગ્રેસમાં મોટુ ભંગાણ થયું હતું. જેમાં ઝાડેશ્વરના કોંગ્રેસ આગેવાન કૌશિક પટેલ પોતાના 300 જેટલા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં ભળી ગયા હતા. જ્યારે અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાનો સાથ છોડ્યો હતો. જે બાદ પાર્ટીના સ્થાનિક નેતૃત્વથી નારાજ અરવલ્લી જિલ્લાના બાયડ કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. જ્યાં ચૂંટણી પ્રભારી રાજેશ પાઠકે ભાજપનો ખેસ પહેરાવીને હર્ષદભાઈનું સ્વાગત કર્યું હતું.

ભરૂચ, અંકલેશ્વર અને અરવલ્લીમાં કોંગ્રેસમાં ભંગાણ બાદ હવે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં પણ ગાબડુ પડ્યું છે. જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના 4 પૂર્વ સભ્યોએ કોંગ્રેસને રામ-રામ કહીને કેસરિયો ધારણ કર્યો છે. આ સિવાય ધારી યાર્ડના એક ડિરેક્ટર પર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આટલું જ નહીં, 3 સરપંચો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ભાજપમાં ભળી જતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

જણાવી દઈએ કે, રાજ્ય ચૂંટણી પંચ તરફથી મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 6 મહાનગર પાલિકા, 81 નગર પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતો માટે ફેબ્રુઆરીના અંતમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ સાથે જ રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

વિવિધ પાર્ટીમાં ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધુ છે. ભલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાતની આ ચૂંટણીઓ પર ટકેલી રહેશે. આ ચૂંટણી વર્ષ 2022માં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીની સેમીફાઈનલ માનવામાં આવી રહી છે.

આ વખતની ચૂંટણીમાં ભાજપની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી, અસદ્દૂદિ ઓવૈસીની AIMIM અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી છે. જેના કારણે આ ચૂંટણી રોમાંચક બની ગઈ છે.

(5:34 pm IST)