Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગાંધીનગર:છાલા નજીક પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે બે શંકાસ્પદ કાર ઝડપી રાજસ્થાનના ત્રણ શખ્સોને 168બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડયા

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલાથી છાલા વચ્ચે ચિલોડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે શંકાસ્પદ કાર ઝડપી લીધી હતી અને તેની સાથે મુળ રાજસ્થાનના ત્રણ શખ્સોને પકડયા હતાં. કારમાંથી વિદેશીદારૂની ૧૬૮ બોટલ મળી હતી. જેથી દારૂનું કટીંગ કરવામાં આવે તે પહેલાં પોલીસ પહોંચી હોવાનું મનાઇ રહ્યું છે. દારૂ અને કાર મળી .૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દારૂ મોકલનાર ઉદેપુરના શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રીય કરીને દારૂની હેરાફેરી કરતાં આવા વાહનોને પકડી રહી છે. ખાસ કરીને ચિલોડા- હિંમતનગર હાઇવે ઉપરથી દારૂ ભરેલાં વાહનોની સાથે લકઝરી બસમાં હવે દારૂની હેરાફેરી વધી છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ચંદ્રાલાથી છાલા વચ્ચે જી.જે.૦૫.આર.બી.૨૮૪૮ અને જી.જે.૨૭.સી.એફ.૨૨૦૭ નંબરની બે કાર શંકાસ્પદ હાલતમાં જણાઇ હતી. તેના પગલે પોલીસ તુરંત ત્યાં પહોંચી હતી અને ગાડી પાસે ઉભેલા નાથુલાલ વેલારામ પટેલ (રહે..એફ.જી. કૃષ્ણા એપાર્ટમેન્ટ, અમદાવાદ) તેમજ રાજસ્થાનના સુનિલકુમાર ચેતનલાલ બીશ્નોઇ અને લાલુરામ સવાજી પટેલને ઝડપી પાડયા હતાં. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૬૮ જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે કાર અને દારૂ મળી .૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દારૂ સંદર્ભે પુછતાં બીછુવાડા ખાતેથી ઉદેપુરના શંકર અમરાજી પટેલે ભરી આપ્યો હતો અને ત્યારબાદ નાથુલાલ અને લાલુરામ કહે ત્યાં પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર ઉદેપુરના શખ્સની પણ શોધખોળ શરૂ કરી છે.

(5:27 pm IST)