Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ભાજપના કાર્યકર્તાઓ સત્તા માટે નહીં પરંતુ ભારતમાતાનો જયઘોષ સાંભળવા માટે કાર્યરત : ભાજપ પરિવારની નહીં, પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે :બે દાયકાથી વધુનું શાસન હોવા છતા એક પણ ખોટુ કામ થયું નથી :આગામી ચૂંટણીઓમાં વિજય નિશ્ચિત, સંશય છોડીને જીત માટે સક્રિય થવા હાકલ કરતા વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ દ્વારા ગોધરા ખાતે નવીન ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : સરપંચ સંમેલનમાં બ્યુગલ ફૂંકીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

ગોધરા, તા.25,             પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નવીન ભાજપ કાર્યાલય- શ્રી કમલમના ઉદઘાટન અને સરપંચ સંમેલન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપ પરિવારની નહીં, પરંતુ કાર્યકર્તાઓની પાર્ટી છે અને આ કાર્યકર્તાઓ સત્તા માટે નહીં પરંતુ ભારતમાતાનો જયઘોષ સાંભળવા માટે  કાર્યરત છે, જે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે પાયાનો ફરક છે. સત્તાની લાલચે કોંગ્રેસને લૂણો લગાડ્યો છે અને તેના કાર્યકરો પ્રજાથી, સમાજથી વિમુખ થઈ ગયા છે, જ્યારે ભાજપનો કાર્યકર્તા લોકશાહીને વરેલો, રાષ્ટ્રવાદમાં શ્રદ્ધા ધરાવતો, મૂલ્યનિષ્ઠ રાજનીતિ અને સામાજિક સમરસતાના ગુણો ધરાવતો સર્વધર્મ સમભાવમાં માનતો કાર્યકર છે અને તેના કારણે જ આજે પાર્લામેન્ટથી પંચાયત સુધી પક્ષને સત્તા મળી છે. નવીન કાર્યાલય પંચમહાલની પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કાર્યકરોને ઉત્તમ માળખાકીય સુવિધા પૂરી પાડશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કાર્યકરોને આગામી જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં તમામ બેઠકો જીતવા અને સરકારે કરેલી કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સક્રિય થવા હાકલ કરી હતી.   

વર્તમાન સરકારના નેતા, નિયતી અને નિતી ચોખ્ખા હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બે દાયકાથી વધુનું શાસન હોવા છતા કાર્યકરોએ શરમાવવું પડે તેવું એક પણ કામ થયું નથી. રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત બને તમામ વ્યવસ્થા પારદર્શક બને તે માટે સરકારે લીધેલા પગલાઓની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લેન્ડગ્રેબિંગ એક્ટ લાવી, પાસાના કાયદાને કડક બનાવી સરકારે અસામાજિક તત્વોને એક કડક સંદેશો આપ્યો છે.  

 ખેડૂતો-વંચિતો, મહિલાઓ, શોષિતો-ગરીબોના કલ્યાણ માટે સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના, કિસાન સૂર્યોદય યોજના, વિના મૂલ્યે પાક વીમા સહાય, ટેકાના ભાવે ખરીદી, ડિજીટલ સેવાસેતુ, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ યોજના,આયુષ્માન ભારત યોજના સહિતના લીધેલા પગલાઓનો ઉલ્લેખ કરતા પક્ષના કાર્યકરોને ભારત માતા જગતજનની બને અને ગરીબી, બેકારી, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત નવા ભારતના નિર્માણની દિશામાં પ્રવૃત થવા જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં પક્ષનો વિજય નિશ્ચિત છે પરંતુ તેને વધુ મોટો બનાવવા પોતાની જવાબદારી સમજી  કાર્યકરોએ કોઈ સંશય વગર સંનિષ્ઠપણે કાર્યરત થવાનું છે.   ગદુકપુર ખાતે યોજાયેલ આ  કાર્યક્રમમાં બ્યુગલ વગાડીને પ્રદેશ ભાજપની શીર્ષ નેતાગીરીની ઉપસ્થિતિમાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણી માટે પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા.  

આ અગાઉ, ગદુકપુર ખાતે નવ નિર્મિત ભાજપ કાર્યાલયનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલ, સહપ્રભારીશ્રી સુધીર ગુપ્તા, મંત્રીમંડળના સભ્યો તેમજ સંગઠનના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં મંત્રોચ્ચારના ગાન સાથે દીપપ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જ વર્ષ 2018માં આ કાર્યાલયનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.   

ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટિલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પણ સ્વીકારે છે ભાજપે બનાવેલી પેજ કમિટીઓ અણુબોંબ જેવુ અમોધ શસ્ત્ર છે. સરકારના સ્વચ્છ અને મજબૂત શાસન તેમજ આ પેજ કમિટીઓની સક્રિયતાથી કોંગ્રેસ દરેક સીટો પર મોટા માર્જિનથી હારશે અને અનેક સીટો પર તેમની ડિપોઝીટ જપ્ત થશે. ચૂંટણી જીતવામાં સૌથી મોટો ફાળો  નેતાઓ નહીં પરંતુ પાયાના કાર્યકરોની સક્રિયતાનો છે. લોકોને વિવિધ યોજનાઓનો લાભ અપાવવાને જ સરકારના કામનો પ્રચાર કરવાની સૌથી સારી રીત ગણાવતા તેમણે પક્ષના કાર્યકરોને સામાન્ય લોકો 2 લાખની વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પાક વીમા યોજના જેવી સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેતા થાય તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. રાજ્યના દરેક ગામને આદર્શ ગામ બનાવવા અંગે વાત કરતા તેમણે ઉપસ્થિત સરપંચોને પૈસા વિના લોકોના સહયોગથી થતા કાર્યો પણ અતિ અગત્યના હોવાથી તે પ્રકારના કામોને પ્રાધાન્ય આપવા, ગામોમાં કાર્યરત સરકારી તંત્ર અને લોકો વચ્ચે સંકલનકર્તાની ભૂમિકા ભજવી દરેક ગામમાંથી કુપોષણ, માતા મરણ-બાળ મરણની સ્થિતિ નાબૂદ કરવા માટે સક્રિય બનવાનું જણાવ્યું. નવનિર્મિત કાર્યાલય જિલ્લાના દરેક કાર્યકર્તાના પ્રદાન અને પરિશ્રમથી નિર્માણ પામ્યું છે ત્યારે તે સૌનો આભાર માનવા સાથે તેમણે આ કાર્યાલય જિલ્લામાં પક્ષના કાર્યકરોને લોકહિતના કામો કરવા માટે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડશે તેમ ઉમેર્યું હતું. 

આ અગાઉ, પ્રદેશના સહ પ્રભારીશ્રી સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે દેશ જ્યારે ભ્રષ્ટાચાર, અંધકાર અને દિશાવિહીનતાથી ઘેરાયેલો હતો ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે દેશને દિશા પૂરી પાડી હતી. વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ ધરાવતી પેજ કમિટીઓની શ્રેષ્ઠ વ્યવસ્થા વિકસાવીને જવાબદારી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરી ગુજરાતે ફરી એકવાર ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. સાંસદશ્રીએ દરેક ગામ વ્યવસ્થામાં સૌથી પાયાનું અને અગત્યનું એકમ હોવાથી સરપંચ સંવાદ કાર્યક્રમની શરૂઆતને પાયાના પ્રશ્નોને સંબોધતી પ્રશંસનીય પહેલ ગણાવી હતી. 

આ અગાઉ કૃષિરાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણિયા પ્રાસંગિક સંબોધનો અને જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યા હતા. 

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુર સાંસદશ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, શ્રી જેઠાભાઈ ભરવાડ, સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા પ્રભારીશ્રી પરાક્રમસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શ્રી રામસિંહ રાઠવા, શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, શ્રી મયંકકુમાર દેસાઈ, ધવલકુમાર દેસાઈ, જિલ્લાના સંતગણો સહિતના અગ્રગણ્ય નાગરિકો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. 

(5:10 pm IST)
  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • તાંડવના કલાકારોની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ આપશેઃ કરણી સેનાની જાહેરાત : દેવી-દેવતાઓના અપમાનનો વિરોધઃ મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છેઃ જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે access_time 4:47 pm IST