Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અનોખી રામભક્તિ : સુરતની દ્રષ્ટિએ કન્યાદાનમાં મળેલા 1.5 લાખ અયોધ્યા મંદિર માટે અર્પણ કર્યા

દ્રષ્ટિથી પ્રેરિત થઈને લગ્નમાં આવેલા મહેમાનોએ પણ રામ મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું

સુરત: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે “શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ” દ્વારા 15 જાન્યુઆરીથી દાન સ્વીકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના લાખો કાર્યકર્તાઓ લોકોના ઘરે જઈને રકમ એકઠી કરી રહ્યાં છે. આ અભિયાનને “રામ મંદિર નિધિ સંકલ્પ સંગ્રહ”નું નામ આપવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ દાન આપી ચૂક્યાં છે, ત્યારે ગુજરાતમાં એક અનોખી રામ ભક્તિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક કન્યાએ પોતાના લગ્ન પ્રસંગે કન્યાદાનમાં મળેલા દોઢ લાખ રૂપિયા મંદિરના નિર્માણ માટે દાનમાં  આપી દીધા છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના હીરા વેપારી રમેશ ભલાણીની દીકરી દ્રષ્ટિના લૂમ્સના બિઝનેસમેન સિદ્ધાર્થ સાથે રવિવારે લગ્ન હતા. દીકરીના લગ્નમાં પિતા રમેશ ભલાણીને કન્યાદાનમાં રૂપિયા 1.50 લાખ આપ્યા હતાં. દ્રષ્ટિએ આ રૂપિયાને રામ મંદિરના નિર્માણ માટે દાન કરી દીધા. આટલું જ નહીં, જ્યારે દ્રષ્ટિને આટલી રકમનું દાન કર્યું, તો તેનાથી પ્રેરિત થઈને લગ્નમાં આવેલા મહેમાનોએ પણ રામ મંદિરના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું.

કન્યાદાનમાં દોઢ લાખ રૂપિયા દાન કર્યાં બાદ દ્રષ્ટિએ કહ્યું કે, આજે એ સમય આવી ગયો છે, જેની આપણે વર્ષોથી વાતો કરતાં હતા. ક્યારે અયોધ્યામાં ભગવાન રામ માટે મંદિરનું નિર્માણ થશે? જો કે હવે આ શુભ સમય આવી ગયો છે, તો સૌ કોઈએ સહયોગ આપવો જોઈએ.મેં જે દાન કર્યું, તે પરિવાર માટે ગર્વની વાત છે, કારણ કે મને મારા પિતા પાસેથી પ્રેરણા મળી છે. આથી મેં મારાથી બનતી મદદ કરી હતી. જો કે મેં ક્યારેય સપનામાં પણ નહતુ વિચાર્યું કે, મને આ તક મળશે. હવે જ્યારે પણ અયોધ્યા જઈને ભગવાન રામના દર્શન કરીશ, તો મને મારા લગ્નની યાદ આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને સુરતના લોકો રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા માટે સતત આગળ આવી રહ્યાં છે. શરૂઆતના 3 દિવસોમાં જ ગુજરાતમાંથી 31 કરોડ રૂપિયા જમા કરી લેવામાં આવ્યા હતા. રામ મંદિર માટે એકત્ર કરેલી આ રકમમાં સૌથી વધુ 11 કરોડ રૂપિયાનું યોગદાન સુરતના એક હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું છે.

(3:10 pm IST)