Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અરવલ્લી : ૪ માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીનો આપઘાત

દીકરી સાથે મારઝુડ કરવાનો પિતાનો આક્ષેપ : પ્રેમનો કરૂણ અંજામ : પતિ, સાસુ-સસરા અને જેઠ સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ

અરવલ્લી, તા. ૨૪ : અરવલ્લી જિલ્લાના ભિલોડા શહેરમાંથી આવી એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, યુવતીએ ૪ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભિલોડાના ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા ડામોર પરિવારના પુત્ર ડેનિશ સાથે તૃપ્તી નામની યુવતીના ચાર મહિના પહેલાં પ્રેમ લગ્ન થયા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે, લગ્નના ચાર મહિના બાદ અગમ્ય કારણોસર તૃપ્તિએ જીવન ટૂંકાવ્યું છે. દીકરીના આપઘાતની જાણ થતાં તેના પરિવારજનો પણ સાસરે આવી પહોંચ્યા હતા અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મૃતક યુવતીના પરિવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. જેમાં તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, યુવતીનો પતિ ડેનિશ ડામોર, જેઠ અલ્પેશ ડામોર, સસરા પ્રફુલ ડામોર અને સાસુ ઈન્દિરા ડામોર અવારનવાર તેમની દીકરીને ત્રાસ આપતા હતા. તૃપ્તિના પિતાએ આક્ષેપ કર્યો છે કે, પતિ ડેનિશ, સાસુ અને જેઠ તૃપ્તિને મારતા પણ હતા. જેથી કંટાળીને તેમની પુત્રીએ આપઘાત કર્યો છે.

પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ ભિલોડા પોલીસે સાસરિયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઠવાડિયા પહેલા ભરૂચ અને અમરેલીમાં પણ પ્રેમ લગ્ન કરનાર મહિલાના આપઘાતના બનાવો સામે આવ્યા હતા. અમરેલીના લુણીધાર ગામે યુવક સાથે સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીએ આપઘાત કરવા મજબુર કરાઇ હોવા અંગેની સાસરિયાઓ સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે ભરૂચમાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરીને મોટા વરાછા રહેવા આવેલી પરિણિતાએ આત્મહત્યા કરવાના બનાવમાં પતિ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.

(10:08 pm IST)