Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ખંભાત તોફાન : ઉંડી તપાસ જારી, ૪૦થી વધુની ધરપકડ

૧૫૦થી વધુના ટોળા સામે ગુનો દાખલ કરાયો : હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો : ખંભાતમાં હજુ પણ અંજપાભરી શાંતિ, પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદ,તા. ૨૫ : ખંભાતમાં કોમી હિંસા થયા બાદ આજે પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારમાં અજંપાભરી શાંતિ રહી હતી. વાહન વ્યવહાર અને અવરજવર ઓછી દેખાઈ હતી. બીજી બાજુ પોલીસે આક્રમક કાર્યવાહીનો દોર જારી રાખ્યો હતો અને ૧૫૦થી વધુના ટોળા સામે ગુનો દાખલ કરીને તપાસને આગળ વધારી છે. પેટ્રોલિંગ અને કોમ્બિંગનો દોર પણ યથાવતરીતે બીજા દિવસે જારી રહ્યો હતો. ગઇકાલે થયેલા તોફાનના મામલે ખંભાત સીટી પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે હત્યા તેમજ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે અને તપાસના ભાગરૂપે ૪૦થી વધુની અટકાયત કરી હતી. બીજી તરફ પોલીસ ફાયરીંગમાં મૃત્યુ પામનારના પરિવારજનોએ વહેલી સવારે પીએમ રૂમની બહાર હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા આધેડનો મૃતદેહ આપવામાં સમય લગાવાતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો, જેને લઇ મામલો ગરમાયો હતો.

                 મૃતકના પરિવારજનોએ ફાયરીંગ કરનાર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખત નશ્યત કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠાવી હતી. ખંભાતના અકબરપુરમાં શુક્રવારે બપોરે બે વાગ્યે જૂની અદાવતને લઇ બંને કોમના લોકો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં જોરદાર પથ્થરમારો અને ઘરો-વાહનોમાં આગચંપીના બનાવોના કારણે હિંસા ભડકી ઉઠી હતી. ઘટનાના પડઘા તીન બત્તી, વ્હોરવાડ, રણમુક્તેશ્વર, બાવાબાગીચામાં પડ્યા હતા અને ત્યાં પણ તોફાની ટોળાં સામસામે આવી ગયાં હતાં. જાણ થતાં ખંભાત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટીયર ગૅસના ૨૫ શેલ છોડ્યા હતા. સ્થિતિ કાબુમાં આવતાં પોલીસે ૫ાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સમયે સ્થળ પર રિક્ષામાં બેસવા જતાં નેજા ગામના વિનોદભાઈ ફકીરભાઈ  ચાવડા (મોલેશયમ ગરાસીયા)ને ગોળી વાગતાં મોત નીપજ્યું હતું.

                તેઓ અકબરપુરમાં શાકભાજી લેવા ગયા હતા અને ગામ તરફ પરત જઈ રહ્યા હતા સમયે ઘટના બની હતી. હિંસા દરમ્યાન પીએસઆઈ એમ. જે. ચૌધરી ટીયર ગેસના શેલ છોડવા ગલીમાં ગયા હતા. સમયે તેઓ એકલાં હતા. ટોળું તેમને ખેંચી ગયું હતું અને મારવાનું શરૂ કર્યું હતું. તોફાનીઓએ તેમના પગમાં પાઈપમારી અને પથ્થરો માર્યા હતા. બીજી તરફ ચારથી પાંચ બીજા પોલીસકર્મીએ ત્યાં દોડી જઈ પીએસઆઇને છોડાવ્યા હતા. જેના કારણે તેમનો જીવ બચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર હિંસા દરમ્યાન ૧૫થી વધુ લોકોને ઇજા પહોંચી હતો તો, સ્થિતિને કાબુમાં લેવા જતાં ૧૦થી વધુ પોલીસકર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. જો કે, આજે પણ ખંભાતમાં અંજપાભરી શાંતિ પથરાયેલી નજરે પડતી હતી. ખાસ કરીને સમગ્ર પંથકમાં પોલીસે લોખંડી બંદોબસ્ત અને અસરકારક પેટ્રોલીંગ વધારી દીધા હતા.

(8:49 pm IST)