Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પેટલાદ તાલુકાના સંદેશર નજીક યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આણંદ: જિલ્લાના પેટલાદ તાલુકાના સંદેશર ગામની એક યુવતી ઉપર અન્ય એક મહિલાની મદદગારીથી એક શખ્શે જાતીય અત્યાચાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હોવાનો બનાવ પેટલાદ ગ્રામ્ય પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે યુવતી ઉપર અત્યાચાર ગુજારનાર શખ્શ તથા મદદગારી કરનાર મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પેટલાદ તાલુકાના સંદેશર ગામની એક ૨૧ વર્ષીય યુવતી લગભગ પોણા બે વર્ષ પૂર્વે બોરીયા ગામે ચાલી રહેલ રોડના કામકાજમાં મજુરી અર્થે આવી હતી. જ્યાં બોરીયા ગામે રહેતા વિમળાબેન મગનભાઈ તળપદાના ઘરે તેણી રહેતી હતી. દરમ્યાન રોડના કામકાજમાં જેસીબી મશીન ઉપર ડ્રાઈવીંગ કરતા હરમાન સાથે આ યુવતી સંપર્કમાં આવી હતી. દરમ્યાન હરમાને બોરીયા ગામે રહેતા વિમળાબેન તળપદાની મદદથી તેણીના ઘરે જઈ આ યુવતી ઉપર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. જેને લઈ યુવતી ગર્ભવતી બની હતી. જો કે બાદમાં હરમાને જો આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમ્યાન ગત એપ્રિલ માસમાં યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. બાદમાં યુવતીએ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાતીય અત્યાચાર ગુજારનાર હરમાન તથા વિમળાબેન વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:46 pm IST)