Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૨૬ થી ૩૧ જાન્યુઆરી સુધીમાં કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ થશેઃ અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : રાજ્યમાં ઠંડીનું જોર વધતાં ફરીથી ઠંડીનો પારો નીચે ગગડ્યો છે. કચ્છના નલિયાનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસા શહેરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને ભુજનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 13 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે. ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનાની અમાસ બાદ શિયાળાની ઠંડીનો છેલ્લો ચમકારો જોવા મળી રહ્યો છે. મહા મહિનાની આ ઠંડી પછી શિયાળો વિદાય લેશે.

આખરે આજે ગુજરાતીઓને શિયાળાની કડકડતી ઠંડીથી રાહત મળી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટી ગયું છે. ઠંડી ઘટી તેની અસર વર્તાઈ રહી છે. જોકે, પવનની ગતિ વધુ હોવાને કારણે હજી પણ ઠંડી અનુભવાઈ રહી છે. હાલ નલિયામાં પણ ઠંડીનો પારો ઘટી ગયો છે.

હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય. અંદાજે શનિવારથી ત્રણ-ચાર દિવસ સુધીમાં તાપમાનમાં ફેરફાર થશે. એટલે રવિવારથી રેગ્યુલર તાપમાન અનુભવાશે.

હવામાન એક્સપર્ટસ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, તારીખ 21-22માં વાદળો આવ્યા હતા, જેના બાદ 24 જાન્યુઆરી સુધીમાં ઠંડીનો ચમકારો વધવાનો હતો. 26થી 31મા કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ અનુભવાશે. 26-27 જાન્યુઆરીમાં દરિયા કિનારે પવનનું જોર રહેશે. 26થી 31મા લઘુત્તમ તાપમાન વધશે અને ઠંડીનું પ્રમાણ ઘટી જશે. પરંતુ ફેબ્રુઆરી માસમાં ફરીથી ઠંડીનો ચમકારો વધશે. આવામાં વાદળછાયા વાતાવરણના લીધે જીરા જેવા પાકને રોગની શક્યતા રહેશે. વારંવાર બદલાતા વાતવરણને લીધે વિષમ હવામાનની અસર રહેશે. ઉનાળુ વાવેતર માટે 20 ફેબ્રુઆરી પછીનો સમયગાળો રહેશે.

(4:24 pm IST)