Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મહેસાણાના બાયપાસ હાઇ-વે ઉપર પુલ બેસી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ બનાવનાર કંપનીનો બચાવ કરાયો

મહેસાણા : મહેસાણાના અમદાવાદ પાલપુર બાયપાસ હાઇવેનો પુલમાં થયેલી પોલમપોલ બહાર આવી હતી. મહેસાણાના નુગર બાયપાસ હાઈવે પરથી પસાર થતાં વાહનોને અચાનક ઝટકા લાગતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. બાયપાસનો આ પુલ સંપૂર્ણ રીતે બેસી ગયો હતો. મહેસાણા માર્ગ આને મકાન વિભાગને આ પુલ બેસી જવાની જાણ થતાની સાથે જ યુદ્ધના ધોરણે દોડધામ મચી હતી અને પુલને હાલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. માત્ર 5 વર્ષમાં પુલની પોલ ખુલી ગઈ હતી. ત્યારે માર્ગ અને મકાન વિભાગે આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પુલ બનાવનાર કંપનીનો લુલ્લો બચાવ કર્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં નેશનલ હાઈવે વિભાગના ચીફ એન્જિનિયર પી.આર. પટેલિયાએ બ્રિજ બનાવનાર કંપનીએ બ્રિજ બરોબર બનાવ્યો છે તેવુ નિવેદન આપ્યું હતું. તેમજ ઓવર વેઇટ વેહિકલના કારણે બ્રિજ બેસી ગયો હોવાનું ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું. 23 જાન્યુઆરીએ 5 ઓવર વેઇટ વાહનો પસાર થવાથી બ્રિજ બેસી ગયો હોવાનું તર્ક તેમણે રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ દિવસે 200 ટનના વાહનો પસાર થતા બ્રિજ બેસી ગયો હતો. રણજીત બિલ્ડકોન કંપનીએ આ બ્રિજ બનાવ્યો છે.

તેમણે કહ્યું કે, પુલ પર સાડા ત્રણ મીટર પુલનો ગડર તૂટ્યો છે. એકસાથે 5 ભારે વાહન પસાર થવાથી પુલ તૂટ્યો છે. બાયપાસ હાઇવે 172 કરોડના ખર્ચે બન્યો છે. 23મી તારીખે 10 થી વધુ એક્સલવાળા વાહનો અહીંથી પસાર થયા છે. 150 ટનથી વધુ વજનવાળા વાહનો પસાર થયા હોવાથી પુલ તૂટ્યો હતો.

બ્રિજ બનાવનાર કંપનીએ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, બ્રિજ બનાવવા માટે રણજિત બિલ્ડકોન નામની કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ રણજિત બિલ્ડકોને રાધે એસોસિએટને પેટા કોન્ટ્રકટ આપ્યો હતો. ત્યારે આવી કામગીરીમાં પેટા કોન્ટ્રાકટ આપવાનો કોઈ જ નિયમ નથી. ત્યારે સવાલ એ છે કે કોન્ટ્રાક્ટ મેળવનાર કંપનીએ આખરે કે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો.

મંત્રીએ લખ્યો પત્ર

મહેસાણામાં બાયપાસ પરનો પુલ બેન્ડ થવા મામલે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે પુલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ નબળી ગુણવત્તાવાળું કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ પત્રમાં કરી છે. પુલની અવદશા પાછળના તંત્ર તેમજ કોન્ટ્રાકટર સામે સત્વરે પગલાં ભરવાની તથા પુલમાં ભ્રષ્ટાચાર આચરનાર સામે પગલા લેવાની માંગ કરી હતી.

(4:23 pm IST)