Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલા સન્માન અને સશકિતકરણ જરૂરી : એમ.વાય.દક્ષિણી

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીનું ઉદ્બોધન

મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે કલેકટર એચ.કે પટેલ , ડી.ડી.એ એમ.વાય.દક્ષિણી, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર વગેરેની હાજરીમાં નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી  કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૨૫: ભારત સરકાર દ્વારા દર ૨૪ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવણી કરવામાં આવે છે.સરકાર  દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુકત ઉપક્રમે નેશનલ ચાઇલ્ડ ગર્લ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ચાઇલ્ડ ડે અંતર્ગત સાંસદશ્રી જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મહિલા સશકિતકરણ અને બાળકીઓ માટે અનેક યોજનાઓ દાખલ કરાઇ છે. સરકારશ્રીના સામાજિક અભિયાનમાં સૌ સાથે મળીને બેટી બચાવો-બેટી વધાવો અભિયાનને આગળ વધારવા અપીલ કરી હતી ધારાસભ્ય ડો.આશાબેન પટેલે જણાવ્યું હતું કે મહિલા સશકિતકરણ માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે.

જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે સામુહિક,સાર્વત્રિક,સાતત્યપુર્ણ અને સર્વાંગિ વિકાસ માટે મહિલાઓનું સન્માન અને સશકિતકરણ જરૂરી છે. રાજ્ય સરકારના જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત સામાજિક પરિવર્તન આવી રહ્યું છે.ભારત રાષ્ટ્રમાં સ્ત્રી સશકિતકરણ અને સન્માનનો ઐતિહાસિક ભવ્ય વારસાને અનુ્સરીને સરકારશ્રીના અભિયાનને આગળ ધપાવવા અપીલ કરી છે.

 નેશનલ ચાઇલ્ડ ડે.... કાર્યક્રમમાં અમુક પ્રાથમિક શાળાની નિરઝા ચૌધરીએ બેટી બચાઓ અંતર્ગત સ્પીચ રજુ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં વિવિધ બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,રંગોલી સ્પર્ધા,સુત્ર લેખન,પોસ્ટર પત્ર લેખન,કાવ્ય લેખન,વોલ પેઇન્ટીંગ સાઇકલ રેલી સહિત વિવિધ સ્પર્ધાઓ ગૌરવપુર્ણ કામગીરી કરનાર દિકરીઓનું સન્માન કરાયું હતું.કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,ધારાસભ્ય સર્વેશ્રી ઋષિકેશભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની,પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી,મહિલા અને બાળ અધિકારી મુકેશભાઇ પટેલ, સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

(3:56 pm IST)