Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સુરતના બેગમપુરાના જુના લાકડાના મકાનમાં ભીષણ આગ ભભૂકી : ત્રણ મકાનો આગની ઝપટે

મનપા દ્વારા મકાન ઉતારી પાડવાની નોટીસ પણ આપી દેવામાં આવી હતી

સુરતના બેગમપુરા વિસ્તારમાં એક જુના અસલ લાકડાના મકાનમાંઆગ ભભૂકી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલીક 10 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળે દોડી ગઇ હતી. મકાન જુનું હોઇ અને લાકડાના સપોર્ટથી તૈયાર થયું હોય આગ આસપાસના ઘરોમાં ફણ ફેલાવાની શરૂઆત થઇ ગઇ હતી. મકાનને નુકશાન થયું હોય મનપા દ્વારા મકાન ઉતારી પાડવાની નોટીસ પણ આપી દેવામાં આવી હતી.

 આ અંગેની વિગત મુજબ સુરતના રાજમાર્ગ બેગમપુરા ખાતે આવેલ દારૂખાના રોડપરના એક જુના અસ્સલ લાકડાના સપોર્ટ થી તૈયાર કરવામાં આવેલ ગ્રાઉન્ડ પ્લસ વન ફલોરના મકાનમાં આગ ભડકી ઉઠી હતી, જેમાં ઘરમાં લાકડાનો ઉપયોગ વધારે હોવાને કારણે આગ ગણતરીના સમયમાં વિકરાળ બની ગઇ હતી. જેથી પાછળ રાણા શેરીમાં આવેલ અને આગ લાગેલા ઘરને અડિને આવેલ અન્ય ઘરમાં પણ આગ ફેલાઇ હતી. જેમાં કાપડનો જથ્થો હોઇ તેમાં પણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

જોકે, ફાયર ફાઈટર પહોંચે તે પહેલા આગે અન્ય બે મકાનને પણ લપેટામાં લઈ લીધા હતા. ટોરેન્ટ પાવર, ગુજરાત ગેસ અને મનપાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મનપા દ્વારા તાત્કાલીક મકાનની હાલત જોઇને તોડી પાડવાની નોટીસ આપવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને ઘટનાને જોઇને જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના ન બનવી જોઇએ.

(11:39 pm IST)