Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રિવરફ્રન્ટ ઉપર પહેલી માર્ચે પિંકાથોનનું આયોજન કરાયું

મહિલાઓની સૌથી મોટી દોડનું આયોજન કરાયું : અભિનેતા મિલિન્દ સોમન-અભિનેત્રી ઇશા કંસારા સહિત મહાનુભાવોએ ઇવેન્ટને લઇ મહિલાઓને પ્રોત્સાહિત કરી

અમદાવાદ, તા. ૨૪ : દેશની મહિલાઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના જીવનમાં આગળ વધવા અને પોતાના સપના અને લક્ષ્યાંકો હાંસલ કરવાની અનોખી પ્રેરણા પૂરી પાડતી મહિલાઓની સૌથી મોટી દોડ એવી પિંકાથોનું આ વર્ષે તા.૧લી માર્ચના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટને લઇ આજે જાણીતા એકટર અને પિંકાથોનના ફાઉન્ડર મિલિન્દ સોમન, અભિનેત્રી ઇશા કંસારા, ઋત્વા પટેલ સહિતના મહાનુભાવો ખાસ અમદાવાદના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે શારીરિક-માનસિક પડકારો ઝીલી પોતાના લક્ષ્યાંકો હાંસલ કરી જીવનમાં આગળ વધનારી મહિલાઓ અને યુવતીઓને પણ ખાસ ઉપસ્થિત રાખવામાં આવી હતી, જેઓએ પોતાના જીવનની મુશ્કેલી અને પડકારો વચ્ચે કેવી રીતે પોતાના લક્ષ્યાંકો હાંસલ કર્યા તેની વાત વર્ણવી હતી, જે ખરેખર હૃદયદ્રાવક હોવાની સાથે સાથે અન્ય લોકો માટે ખાસ કરીને અન્ય મહિલાઓ અને યુવતીઓ માટે પ્રેરણાદાયી હતી.

                  પિંકાથોન દેશની મહિલાઓને દોડવા માટે પ્રોત્સાહિત કરે છે અને મહિલાઓને આરોગ્ય અને ફિટનેસ ક્ષેત્રે જાગૃત કરી મહિલા સશકિતકરણનો અનોખો પ્રયાસ કરે છે. બ્રેસ્ટ કેન્સર સહિત મહિલાઓના આરોગ્ય સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ અંગે જાગૃતિ ફેલાવાઇ રહી છે. છેલ્લા આઠ વર્ષથી દેશના જુદા જુદા શહેરોમાં પિંકાથોનની દોડમાં ૨,૭૫,૦૦૦થી વધુ મહિલાઓ ભાગ લઇ ચૂકી છે. મલ્ટિ કેટેગરી માટે ઓનલાઇન પિંકાથોન.ઇન/અમદાવાદ પર કરી શકાશે. જેમાં ત્રણ કિ.મી મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, પાંચ કિ.મી ફેમીલી રન અને દસ કિ.મી, ૨૧ કિ.મીની અંતર દોડ માટે ઇન્ફોએટધરેટપિંકાથોન. ઇન.ડબલ્યુડબલ્યુડબલ્યુ.પિંકાથોન.ઇન/અમદાવાદ પર મેઇલ કરવાનો રહેશે એમ પિંકાથોનના ફાઉન્ડર મિલિન્દ સોમને જણાવ્યું હતું.

(9:58 pm IST)