Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમદાવાદ ખાતે કાશ્મીરી ફુડ વ્યંજનનોનો મેળાવડો

વાઝવાન કી દાસ્તાન : કાશ્મીરી ફુડ

અમદાવાદ, તા.૨૪ : કાશ્મીરનું સૌંદર્ય સાચા અર્થમાં પૃથ્વી પર સ્વર્ગ છે પરંતુ ધીમી આંચે સંપૂર્ણપણે રંધાયેલી કાશ્મીરી વાનગીઓમાં રહેલી સ્વાદિષ્ટ સામગ્રીઓનું સમૃદ્ધ મિશ્રણ પણ સ્વર્ગના અનુભવથી જરાય ઉતરતું નથી. કાશ્મીરી વાનગીઓનો અસલ સ્વાદ અમદાવાદના નગરજનો સુધી લઈ આવવા માટે શહેરના એસજી હાઇવે પર આવેલી રેનસોન્સ હોટલ ખાતે સૌપ્રથમવાર વાઝવાન કી દાસ્તાન - એ સ્પાઇસી ટેલ ઑફ કાશ્મીરી ફૂડ નામનો વ્યંજનોનો મેળાવડો યોજાઇ રહ્યો છે. તા.૨૪ જાન્યુઆરીથી તા.૨ ફેબ્રુઆરી સુધી યોજાઇ રહેલા આ કાશ્મીરી વ્યંજનોના રસથાળ દરમ્યાન તેની ઇન-હાઉસ મલ્ટી-કૂઝીન રેસ્ટોરેન્ટ આર. કીચન ખાતે પેઢી દર પેઢી સિદ્ધ થયેલી પ્રમાણભૂત રીતે તૈયાર કરવામાં આવેલી અદભૂત કાશ્મીરી વાનગીઓનો રસથાળ સ્વાદના રસિયાઓને પીરસવામાં આવશે. શાકાહારી ભોજનના શાનદાર શણગારની સાથે મુખ્યત્વે માંસાહારી વાનગીઓ ગણાતું વાઝવાન એ કાશ્મીરમાં પ્રસંગોમાં પીરસાતું મલ્ટીકોર્સ ભોજન છે અને પરંપરાગત રીતે વાઝવાનના મુખ્ય રસોઇયા વાસ્તા વાઝા દ્વારા તેને તૈયાર કરવામાં આવે છે.

                આ ૧૦ દિવસ ચાલનારા ફૂડ ફેસ્ટિવલ માટે દાયકાઓનો અનુભવ ધરાવતા અને ભારતીય રસોઈ અને રસોઈની શૈલીઓની પ્રાદેશિક વૈવિધ્યતાથી સારી રીતે વાકેફ શેફ મુજીબ ઉર રહેમાન દ્વારા એક વિશેષ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે. કાશ્મીરી, અવધી અને મુઘલાઈ વ્યંજનોના નિષ્ણાત શેફ રહેમાને જણાવ્યું હતું કે, કાશ્મીરની વાનગીઓની તૈયારીઓ અને રાંધવાની શૈલીઓ પર કાશ્મીરી પંડિત, મુસ્લિમો અને મુઘલો સહિત વિવિધ ઐતિહાસિક પ્રભાવોના સ્વાદનો વિશિષ્ટ વ્યાપ ધરાવતો વાઝવાન કી દાસ્તાન આપને પાકકળાની એક લાંબી યાત્રાનો અનુભવ પૂરો પાડશે. કાશ્મીરી ભોજન ઇલાયચી, તજ, લવિંગ અને કેસર સહિતના ગરમ મસાલાઓના વ્યાપક ઉપયોગની સાથે સૌમ્ય સ્વાદ અને સમૃદ્ધ ફ્લેવર ધરાવે છે. રેનસોન્સ અમદાવાદ હોટલ ખાતે આયોજિત વ્યંજનોના આ મેળાવડામાં પીરસવામાં આવનારી પ્રત્યેક વાનગીને રસોઈની વિશિષ્ટ કાશ્મીરી શૈલી દ્વારા તૈયાર કરવામાં આવશે.

(9:56 pm IST)