Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શનિનો મકર રાશિમાં પ્રવેશ થયો : શનિના મંદિરમાં ભીડ

તમામ શનિમંદિરોમાં ભકિતનાદ ગુંજી ઉઠયા : દૂધેશ્વર પ્રાચીન શનિમંદિરમાં મહાઆરતી, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમ : શનિદેવની ખાસ પૂજા, તેલનો અભિષેક

અમદાવાદ, તા. ૨૪ : આજે સૂર્યપુત્ર શનિદેવએ પોતાની રાશિ પરિવર્તન કર્યુ હતુ,  શનિદેવના રાશિ પરિવર્તનની નોંધનીય અને મહત્વની ઘટનાને લઇ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિમંદિરોમાં પણ ભવ્ય પૂજા, મહાઆરતી, યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. ૨૪ વર્ષો બાદ શનિદેવએ પોતાની મકર રાશિમાં પરિવર્તન કર્યું હતુ, રાશિ પરિવર્તનને લઇને શનિમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી. શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, શાહીબાગના શનિમંદિર, થલતેજ વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિમંદિર, સાલ હોસ્પિટલની સામે આવેલા શનિદેવ મંદિર, સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાનજી ખાતેના શનિદેવ મંદિર, વૈષ્ણૌદેવી સર્કલ ખાતે મારૂતિનંદન મંદિરમાં શનિદેવ મંદિર સહિતના વિવિધ શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

                   જેમાં  દૂધેશ્વર વિસ્તારના અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, ખાતે મહાઆરતી, યજ્ઞ, માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ, ૧૦૮ આહુતિ સહિતના કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો શનિભકતો દર્શનાર્થે ઉમટયા હતા એમ દૂધેશ્વર શનિદેવ મંદિરના પૂજારી  રવિ મહારાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે તા.૨૪મી જાન્યુઆરી શુક્રવારના રોજ શનિ મહારાજ પોતાની રાશિ બદલશે એટલે કે, શનિ મહારાજે આજે સવારે ૯-૪૫ વાગ્યે મકર રાશિમાં પરિવર્તન કર્યુ હતું. આજની ઘટના ધાર્મિક, જયોતિષશાસ્ત્ર અને ખગોળીય દ્રષ્ટિકોણથી પણ બહુ નોંધનીય અને મહત્વની મનાઇ રહી છે. આજે શનિદેવની રાશિ પરિવર્તનની ઘટનાને લઇ દૂધેશ્વર સ્થિત અતિપ્રાચીન શનિદેવ મંદિર ખાતે સવારે ૯-૪૫ વાગ્યે મહાઆરતી, શનિદેવને તેલનો અભિષેક-વિશેષ પૂજા અને માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે મંદિર પ્રાંગણમાં દર્શનાર્થે ઉમટેલા સેંકડો શ્રધ્ધાળુ ભકતો માટે શનિદેવનો વિશેષ મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં ૧૦૮ આહુતિ શનિ મહારાજને અર્પણ કરવામાં આવી હતી. આજે  શનિ મહારાજને દાન, તેલનો અભિષેક, પીપળા-સૂર્યને જળ ચઢાવવુ અને દીપ પ્રગટાવવાથી કષ્ટમાંથી મુકિત માટે શ્રધ્ધાળુઓએ પ્રાર્થના કરી હતી.

                  દૂધેશ્વર શનિદેવ મંદિરના પૂજારી  રવિ મહારાજે ઉમેર્યું કે, દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં સતત ૧૩ શનિવાર ભરવાથી તમામ કષ્ટોમાંથી મુકિત મળતી હોવાની અને શનિદેવની કૃપા વરસતી હોવાની માન્યતા હોવાને લઇ અહીં શ્રદ્ધાળુ ભકતોની ભારે ભીડ રહેતી હોય છે. આજે મંદિર સત્તાવાળાઓ તરફથી ભકતો માટે દર્શન અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજીબાજુ, જ્યોતિષ ગણના અનુસાર, આજે તા.૨૪ જાન્યુઆરીના રોજ મકર રાશિમાં શનિ પ્રવેશ કર્યો હતો. આ રાશિ પરિવર્તન મોટું અને મહત્વનું માનવામાં આવે છે. આ પરિવર્તનની સૌથી ખાસ વાત એ છે કે આ રાશિ પરિવર્તન મકર રાશિમાં થશે પરંતુ તેની અસર કુંભ રાશિના જાતકો પર વધારે છે. કારણ કે શનિના આ રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોની સાડાસાતી શરૂ થનાર છે. તેથી કુંભ રાશિના જાતકો પર શનિનો વિશેષ પ્રભાવ રહેશે. શનિ દેવ કર્મના ફળના દાતા છે. તેથી જાતકના જેવા કર્મ હશે તેવું ફળ તેને પ્રાપ્ત થશે. આજે શનિદેવના રાશિ પરિવર્તનને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિદેવ મંદિરો વિશેષ પૂજા, આરતી સહિતના કાર્યક્રમો અને ઓમ્ શં શનૈશ્ચરાય નમઃ ના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા.

(9:52 pm IST)