Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સતામણી કેસ : પ્રોફેસર ડો.હરેશ ઝાલા અંતે સસ્પેન્ડ, ભૂગર્ભમાં ઉતર્યા

જાતીય સતામણીનો ત્રીજો કિસ્સો સપાટીએ : હેરેસમેન્ટ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિ.સત્તાધીશોની મહત્વની બેઠક મળી : તમામ જટિલ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાઈ

અમદાવાદ,તા. ૨૪ : એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરમજનક શિક્ષણના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, જેને લઇ હવે યુનિવર્સિટીની છાપ ખરડાઇ રહી છે. પીએચડી કરવા માટે પ્રોફેસર ગાઇડની જાતીય સતામણીનો ભોગ વિદ્યાર્થિનીઓ બની રહી છે. ગઇકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થતાં સ્થાનિક શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઓડિયોક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી પ્રો.ઝાલા દ્વારા તેણીની પાસે શરીર સુખની માંગ કરવામાં આવી હતી. માત્ર એટલું જ નહીં, પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે. પ્રોફેસર ઝાલા દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. બીજીબાજુ, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તેમજ યુનિવર્સિટીએ ઝાલાની ચેમ્બર સીલ કરી દેવાઇ હતી અને કસૂરવાર પ્રો.હરેશ ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, પ્રો.ઝાલા હેઠળના પીએચડીના વિદ્યાર્થીઓને અન્ય ગાઇડ ફાળવવામાં આવશે. યુનિવર્સિટીમાંથી બબ્બે વખત પ્રોફેસર ઝાલા દારૂ પીતા ઝડપાય ગયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

            અગાઉ ડો. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી કનુભાઇએ સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. દારૂની ટેવ ધરાવતા પ્રોફેસર ઝાલાને તેની પત્ની પણ છોડીને ચાલી ગઇ છે. યુનિવર્સિટીએ સમાજશાસ્ત્ર ભવનમાં પ્રોફેસર હરેશ ઝાલાની ચેમ્બર સીલ કરી દીધી હતી. તો વળી, પ્રો.ઝાલાના સમર્થનમાં સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સામે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રોફેસર ઝાલા નિર્દોષ અને પ્રામાણિક છે. વિદ્યાર્થિનીને ફોન કરવાની શું જરૂર હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક પૂર્ણ થઇ હતી. કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે. ઓડિયોક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. જો ફરિયાદ આવશે તો અમે આગળ કાર્યવાહી કરીશું. ઓડિયોક્લિપમાં જ યુવતીનો અવાજ છે તે યુવતી ગમે ત્યારે જાતીય સતામણી નિવારણ કમિટી પાસે ફરિયાદ નોંધાવી શકે છે.

          પ્રોફેસર ઝાલાનો મોબાઇલ કબ્જે લેવો તે ઓથોરીટીનું કામ છે મારૂ કામ નથી. કમિટી તટસ્થાપૂર્વક નિર્ણય લેશે, અગાઉ સસ્પેન્ડ કરેલાના પણ દાખલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર રમેશ પરમારે આ અંગે જણાવ્યું હતું કે, યુવતીની અમને ફરિયાદ મળી નથી. આમ છતાં અમે મીડિયાના અહેવાલો અને ઓડિયો ક્લિપના આધારે તપાસ કરીશું. પ્રોફેસર ઝાલાને રૂબરૂ બોલાવવામાં આવશે. આ પહેલા પ્રોફેસર નિલેશ પંચાલને ડીસમીસ કર્યા હતા. પ્રોફેસર રાકેશ જોશીની તપાસ ચાલી રહી છે અને તેને ડીસમીસ કરવાની ભલામણ કરવામાં આવી છે. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ ડીસમીસ થઇ ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઇકાલે જે ઝાલા વિરૂદ્ધ જે અચાનક ઓડિયોક્લિપ વાઇરલ થઇ તે વિદ્યાર્થિની ૨૦૧૪માં એમએ કર્યું હતું. પરંતુ આ ક્લિપ કયા વર્ષની છે તે અંગે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેવાશે. આ મુદ્દે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ સેલની બેઠક મળશે તેમાં યુવતી પણ આવીને ફરિયાદ નોંધાવી શકે છે તેવું યુનિવર્સિટીના સત્તાધીશોએ બચાવ કર્યો હતો.

(8:45 pm IST)