Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પ્રજાસત્તાક દિવસ : રાજયમાં સઘન સલામતી તેમજ ચેકિંગ

અમદાવાદ-દિલ્હી વચ્ચે ૨૬મી સુધી પાર્સલ સેવા બંધ : રાજયના તમામ ધાર્મિક સ્થાનો, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના જાહેરસ્થળોએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા

અમદાવાદ,તા. ૨૪ : તા.૨૬ જાન્યુઆરીને લઈ દેશભરમાં આઇબી અને પોલીસતંત્ર દ્વારા હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. જને લઇ ગુજરાત રાજયમાં પણ તમામ મહત્વના ધાર્મિક સ્થળો, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનો સહિતના જાહેરસ્થાનો પરની સુરક્ષા અને પેટ્રોલીંગ-ચેકીંગ ભારે અસરકારકતા સાથે વધારી દેવામાં આવ્યા છે. ત્યારે બીજીબાજુ, સુરક્ષાના ભાગરૂપે જ તા.૨૬મી જાન્યુઆરી સુધી દિલ્હીની પાર્સલ સેવાને પણ બંધ કરવામાં આવી છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી રોજના ૨૦ થી ૨૨ ટન પાર્સલ દિલ્હી જાય છે. સેવા બંધ થતાં આગામી ત્રણ દિવસ સુધી પાર્સલ દિલ્હી નહીં જાય. એટલું જ નહીં દિલ્હીથી આવતા પાર્સલોની સેવા પણ બંધ રાખવામાં આવી છે. સુરક્ષાને કારણે પાર્સલ સેવા બંધ રખાઇ છે, જે તા.૨૭મી જાન્યુઆરીથી રાબેતા મુજબ પૂર્વવત્ કરાશે. તા.૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની સુરક્ષાને લઇ તા.૨૪ થી ૨૬ જાન્યુઆરીના પાર્સલ પહેલાથી જ રેલ્વે તંત્ર દ્વારા બુક કરવામાં આવ્યા નથી.

             ત્રણ દિવસ પાર્સલ બુકિંગની સેવા પણ બંધ રહેશે. નોંધનીય છે કે, રેલવેમાં તમામ પ્રકારના પાર્સલ જતા હોય છે. આથી વેપારીઓને પણ પાર્સલ સેવા બંધની જાણ કરી દેવામાં આવી છે. તા.૨૪થી ૨૬ દરમિયાન દવા, કપડાં, શાકભાજી, તેલ, ઘરવખરી સહિત તમામ પાર્સલ બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ઇમરજન્સી પાર્સલ પણ તા.૨૬ જાન્યુઆરી સુધી દિલ્હી નહીં મોકલાય. સુરક્ષાને ધ્યાને રાખી રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે પાર્સલમાં કોઈ પણ વસ્તુ મોકલી દેવાની દહેશત હોઇ કોઇપણ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ રોકવાના હેતુસર આ નિર્ણય લેવાયો છે.

           એટલું જ નહીં પાર્સલ પેકિંગ થયા બાદ ખોલીને ચેક કરી શકાતું નથી. જેનો ગેરલાભ લઈ કોઈ ઘટના ન બને તે માટે પાર્સલ સેવા જ બંધ કરવામાં આવી છે. તા.૨૭ જાન્યુઆરીથી ફરી પાર્સલ સેવા શરુ થઇ જશે. મહત્વપૂર્વ છે કે દેશભરમાં હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલી રહી છે. નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસે ખાસ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સુરક્ષાને લઈને આઈબી દ્વારા પહેલાથી એલર્ટ આપી દેવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે પણ તા.૨૬ જાન્યુઆરી પહેલા દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ, રેલવે સ્ટેશનો, ધાર્મિક સ્થળો ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાત રાજયમાં પણ અમદાવાદ શહેર સહિત તમામ ધાર્મિક સ્થાનો, એસટી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના ભીડભાડવાળા જાહેરસ્થળોએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને અસરકારક પેટ્રોલીંગ, વાહન ચેકીંગ સહિતના સુરક્ષાત્મક પગલાં લેવાઇ રહ્યા છે.

(8:43 pm IST)