Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં જરૂરી આરોગ્યલક્ષી સુવિધાના અભાવે દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે વિભાગવાર અલગ દર્દીઓને સારવાર મળી શકે તે માટે પુરતાં ડોક્ટર નથી તો મોટાભાગે ડોક્ટરો રજા ઉપર હોવાથી લાંબી લાઇનો લાગે છે તો બીજી તરફ અદ્યતન સાધન સામગ્રીના અભાવે તાત્કાલિક સારવાર પણ મળી શકતી નથી. જેથી જરૂરી આરોગ્યલક્ષી સુવિધાના અભાવે દર્દીઓને ધક્કા ખાવા પડે છે.

ગાંધીનગર શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિત જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલમાં આવે છે ત્યારે જરૂરી આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે દર્દીઓને પણ હેરાન પરેશાન થવું પડતું હોય છે. ત્યારે સિવિલમાં વિભાગવાર અલગ દર્દીઓને સારવાર મળી શકે તે માટે પુરતાં ડોક્ટર નહીં હોવાથી ઘણી વખત લાંબી લાઇનો લાગે છે તો જરૂરી સાધન સામગ્રી પણ નહીં હોવાના કારણે ગંભીર રીતે થયેલાં અકસ્માત અને હાર્ટએટેક તથા ઓપરેશન સહિત અન્ય બિમારીઓના દર્દીઓને તાત્કાલિક સારવાર પણ મળી શકતી નથી. ઘણી વખતે સામાન્ય સારવાર આપીને દર્દીઓને અમદાવાદ અથવા ખાનગી દવાખાનામાં ટાન્સફર કરવામાં આવે છે. તો પુરતા ડોક્ટરો નહીં હોવાની સાથે સાથે જે ડોક્ટરો હાલમાં ફરજ બજાવી રહ્યાં છે તેઓ પણ સમયસર ફરજ ઉપર આવતાં નથી અને દર્દીઓને ધક્કા ખાવા પડે છે. 

(5:16 pm IST)