Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વડોદરામાં આવકવેરા વિભાગે ઝવેરી સિક્યુરિટિસ સહીત અવની પેટ્રોકેમમાં દરોડા પાડ્યા: મોડીરાત સુધી તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: વડોદરા આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગ અને આવકવેરાના અધિકારીઓની ટીમોએ વડોદરામાં ઝવેરી સિક્યુરિટિઝ અને અવનિ પેટ્રોકેમની ત્યાં સામૂહિક દરોડા પાડયા હતા.

આવકવેરા વિભાગની ટીમોએ કમલઝવેરીની ઝવેરી સિક્યુરિટિઝ તથા દીપક શાહની અવનિ પેટ્રોકેમની ઓફિસો, ધંધાકીય સ્થળો, રહેણાંક વગેરે મળી ૩૦ સ્થળે સવારથી  દરોડાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. વડોદરામાં ઘણા લાંબા સમય બાદ આવકવેરા ખાતાએ સામૂહિક દરોડા પાડતા બે નંબરી વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઝવેરી સિક્યુરિટીઝ વડોદરાની અને ગુજરાતની મોટી સ્ટોક બ્રોકિંગ કંપની છે, અને સયાજીગંજમાં મુખ્ય ઓફિસ ધરાવે છે આ ઉપરાંત શહેરમાં ઠેકઠેકાણે તેની શાખાઓ આવેલી છે. આવકવેરાના અધિકારીઓએ ઝવેરી સિક્યુરિટિઝનો કમ્પ્યુટરાઇઝડ રેકોર્ડ, ડેટા, નાણાંકીય વ્યવહારો, સોદા, શેર ટ્રાન્ઝેક્શન, બેન્કના ખાતાઓ, બેનામી વ્યવહારો વગેરે  બાબતોની તપાસ હાથ ધરી હતી. આ સંદર્ભે ડોક્યુમેન્ટસ પણ જપ્ત કર્યા હતા અને મોડી રાત સુધી તપાસ ચાલુ રાખી હતી.

(5:12 pm IST)