Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમદાવાદની કર્ણાવતી ક્લબમાં નણંદ અને તેના બાળકોએ ભાભી ઉપર હૂમલો કરતા ખળભળાટ

અમદાવાદ :ટેકનોલોજી, વૈભવ અને સંપત્તિ વધવાથી શું પરિવારને સુખની પ્રાપ્તિ થાય છે ખરી? અમદાવાદની સૌથી પોશ ગણાતા કર્ણાવતી ક્લબમાં ગઈકાલે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમદાવાદની ખ્યાતનામ કર્ણાવતી કલબમાં નણંદ અને તેના બાળકોએ ભાભી ઉપર હુમલો કર્યા હોવાની ઘટનાથી સમગ્ર ક્લબમાં ચકચાર મળી છે.

વૈશાલીબેન પટેલ નામની મહિલા થલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા અને ડિઝાઇનર સ્ટુડિયો ચલાવે છે. તેઓ એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબના મેમ્બર છે. પોણા બે વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થઈ ગયું હતું. તેમના અવસાન બાદ વૈશાલીબેનને તેમના નણંદ ભૂમિકાબેન પટેલ સાથે સંબંધો વણસી ગયા હતા. તે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

સાંજે સાતેક વાગ્યે કલબમાં ગાર્ડનના હિંચકા પાસે વૈશાલીબેન ઉભા હતા. તે સમયે તેમના હાથમાં ફોન હતો. દરમિયાનમાં ભૂમિકાબેન તેમના પુત્ર આર્યન અને પુત્રી અનેરી સાથે ત્યાંથી પસાર થયા હતા. ભૂમિકાબેને અમારા ફોટા કેમ પાડે છે તેવું વૈશાલીબેનને કહ્યું હતું. જોકે વૈશાલીબેને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમણે ફોટા નથી પાડ્યા. છતાં ભૂમિકાબેને ગાળાગાળી કરી અને તેમના સંતાનો સાથે મળીને ભાભી વૈશાલીબેનને માર માર્યો હતો. ત્યારે બંને વચ્ચેની બબાલ એટલી વધી ગઈ કે, કલબમાં હાજર લોકોએ તેઓને છોડાવ્યા હતા.

ફરિયાદી વૈશાલી પટેલે ફરિયાદ કરી છે કે, તેમની નણંદે પોતાના બે બાળકો સાથે કલબમાં જાહેરમાં તેની ઉપર હુમલો કર્યો છે. ફરિયાદી ભાભીએ પોલીસને બોલાવી નણંદ અને તેના બે બાળકો સામે ગુનો નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કેસમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને પોલીસનુ કહેવુ છે કે આ પારિવારિક મામલો છે અને કદાચ સંપત્તિનો મામલો પણ હોઈ શકે છે. પરંતુ હાલ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલી રહી છે.

(4:38 pm IST)